Get The App

ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 'રેડ ઍલર્ટ', માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Heatwave Alert

Gujarat Heatwave Alert: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ રાજ્યમાં પ્રચંડ હીટવેવની સ્થિતિ રહેશે, જેમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર સૌથી વધુ હોવાથી ત્યાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ છેલ્લા 100 વર્ષનો રૅકોર્ડ તોડ્યો છે, જેમાં દીવમાં 41.3 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાતા સ્થાનિકો અને પ્રવાસીઓ પરસેવે રેબઝેબ થયા છે. માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિના તાપમાનમાં પણ વધારો થતાં રાત પણ ગરમ અને અકળાવનારી રહેશે.

ગુજરાતના 11 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ

રાજ્યના અન્ય ભાગોમાં પણ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, વડોદરા અને સુરતમાં 'ઑરેન્જ ઍલર્ટ' આપવામાં આવ્યું છે. તેવી જ રીતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરુચ, જામનગર અને ભાવનગરમાં પણ ઑરેન્જ ઍલર્ટને પગલે કાળઝાળ ગરમી પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાવાને કારણે બફારો વધશે, જે નાગરિકોની મુશ્કેલીમાં વધારો કરશે. વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે.

રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 11થી 16 માર્ચ દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. જોકે, આજે 11 માર્ચના રોજ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું અત્યંત જોર હોવાથી 'રેડ વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, અમરેલી, બનાસકાંઠા અને સુરત જિલ્લામાં 'ઑરેન્જ ઍલર્ટ' જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને જામનગર જેવા વિસ્તારોમાં 'યલો ઍલર્ટ' આપવામાં આવ્યું છે. હાલમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં રાજકોટમાં પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે, જે સામાન્ય કરતા 7.7 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ, ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન અમલી

બે દિવસ બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે

આગામી બે દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો જોવા મળશે. હાલમાં રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેવાને કારણે લોકોને અસહ્ય બફારો અને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 'રેડ ઍલર્ટ', માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો 2 - image