Get The App

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન 1 - image

Gujarat High Court News: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવાયેલી પરીક્ષાના પ્રશ્નો અને તેના સ્ત્રોત અંગે ચાલી રહેલા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટના વારંવારના આદેશો છતાં સ્પષ્ટ જવાબ ન આપવા બદલ જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈની ખંડપીઠે GPSCના ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો.

શું છે સમગ્ર વિવાદ?

મળતી માહિતી અનુસાર, ગત વર્ષે લેવાયેલી GPSCની એક પરીક્ષામાં 1915ના 'કૌટિલ્ય અર્થશાસ્ત્ર' પુસ્તકમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનો દાવો કમિશન દ્વારા કરાયો હતો. આ મામલે એક ઉમેદવારે રિટ અરજી કરી આન્સર-કીને પડકારી હતી. હાઈકોર્ટે અગાઉ ત્રણ વખત GPSC પાસે શું આ પુસ્તકની ઓરિજનલ ફિઝિકલ કોપી ઉપલબ્ધ છે?, જો ફિઝિકલ કોપી ન હોય, તો ઇન્ટરનેટ પરની PDF માંથી પ્રશ્નો પૂછવાની કોઈ સત્તાવાર નીતિ કે ઠરાવ છે અને ઓનલાઇન મળતી માહિતીની અધિકૃતતા કોણ અને કેવી રીતે નક્કી કરે છે? આ પ્રશ્નોના જવાબ માંગ્યા હતા.

આ પણ વાંચો: કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા

હાઈકોર્ટેની આકરી ટકોર

16મી, 20મી અને 22મી માર્ચના હુકમ છતાં ત્રીજી એપ્રિલની સુનાવણીમાં પણ સરકાર કે GPSC તરફથી કોઈ સ્પષ્ટ ઘટસ્ફોટ રજૂ કરવામાં આવ્યો ન હતો. આ બાબતથી નારાજ થઈ જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ કોર્ટરૂમમાં માર્મિક ટકોર કરી હતી કે, 'તમારા ચેરમેન અને સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધુ ઊંચો છે. શું તેઓ પોતાની જાતને હાઈકોર્ટથી પણ ઉપર સમજે છે?' અદાલતે વધુમાં ઉમેર્યું કે, વારંવાર પૃચ્છા કરવા છતાં જવાબ ન આપવો એ સ્પષ્ટપણે અદાલતી તિરસ્કાર  છે.

સાતમી એપ્રિલે તમામને હાજર રહેવું પડશે

હાઈકોર્ટે આ મામલે હવે અંતિમ આદેશ આપતા જણાવ્યું છે કે, 'GPSCના ચેરમેન અને સેક્રેટરીએ સાતમી એપ્રિલે અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવું પડશે.' આ સાથે જ એડવોકેટ જનરલ અને ગવર્મેન્ટ પ્લીડરને પણ હાજર રહેવા તાકીદ કરી છે. કન્ટેમ્પ્ટ કોર્ટમાં આ કેસ મોકલતા પહેલા અધિકારીઓને તેમનો પક્ષ રજૂ કરવાની છેલ્લી તક આપવામાં આવશે.

આ આદેશથી સરકારી વહીવટી તંત્ર અને GPSCમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સાતમી એપ્રિલે કમિશન દ્વારા અદાલત સમક્ષ કેવો ખુલાસો રજૂ કરવામાં આવે છે.