16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat New Government Colleges: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026-27ના બજેટમાં રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની અને 8 હયાત કોલેજોમાં નવા શૈક્ષણિક પ્રવાહો(Streams) ઉમેરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ પગલાથી આગામી શૈક્ષણિક વર્ષમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ અને લૉમાં કુલ 3000થી વધુ નવી સરકારી બેઠકો ઉપલબ્ધ થશે, જેનો સીધો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે.
અમદાવાદ જિલ્લાને મળશે બે કોલેજોની ભેટ
આ આયોજન અંતર્ગત અમદાવાદ જિલ્લાના શિક્ષણ માળખામાં પણ વધારો થશે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક સંપૂર્ણ નવી સરકારી કોલેજ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, માંડલની સરકારી કોલેજમાં નવો કોમર્સ પ્રવાહ શરૂ કરવામાં આવશે. આમ, અમદાવાદ જિલ્લાને એક નવી કોલેજ અને એક નવા પ્રવાહ સાથે કુલ બે કોલેજોની સુવિધા મળશે.
આદિજાતિ અને બિન-આદિજાતિ વિસ્તારોમાં સમાન વિકાસ
સરકારના આયોજન મુજબ, 16 નવી કોલેજોમાંથી 8 કોલેજો આદિજાતિ વિસ્તારોમાં અને 8 કોલેજો બિન-આદિજાતિ વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે. હાલમાં આ કોલેજો અન્ય સરકારી બિલ્ડિંગો અથવા શાળાઓના સંકુલમાં શરૂ કરવાનું આયોજન છે. નવી 16 કોલેજોને કારણે આશરે 2000 બેઠકો અને હયાત 8 કોલેજોમાં નવા પ્રવાહો શરૂ થવાથી બીજી 1000 બેઠકોનો વધારો થશે.
કયા સ્થળોએ નવી સરકારી કોલેજ શરૂ થશે?
| ક્રમ | સ્થળ (જિલ્લો) | સૂચિત પ્રવાહ | વિસ્તાર |
| 1 | હાથીજણ (અમદાવાદ) | આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ | બિન-આદિજાતિ |
| 2 | બાકોર (મહિસાગર) | આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ | બિન-આદિજાતિ |
| 3 | ઉના (ગીર સોમનાથ) | આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ | બિન-આદિજાતિ |
| 4 | ધાનેરા (બનાસકાંઠા) | આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ | બિન-આદિજાતિ |
| 5 | માળીયા (મોરબી) | આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ | બિન-આદિજાતિ |
| 6 | રાણપુર (બોટાદ) | આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ | બિન-આદિજાતિ |
| 7 | દહેગામ (ગાંધીનગર) | સાયન્સ (વિજ્ઞાન) | બિન-આદિજાતિ |
| 8 | ગઢશીશા (કચ્છ) | આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ | બિન-આદિજાતિ |
| 9 | હડાદ (બનાસકાંઠા) | આર્ટ્સ - કોમર્સ | આદિજાતિ |
| 10 | નાનાપોંઢા (વલસાડ) | આર્ટ્સ - કોમર્સ | આદિજાતિ |
| 11 | ગોધર (મહિસાગર) | આર્ટ્સ - કોમર્સ | આદિજાતિ |
| 12 | લીમડી (દાહોદ) | આર્ટ્સ - કોમર્સ | આદિજાતિ |
| 13 | કદવાલ (છોટાઉદેપુર) | સાયન્સ, આર્ટ્સ, કોમર્સ | આદિજાતિ |
| 14 | અરેઠ (સુરત) | આર્ટ્સ, સાયન્સ, કોમર્સ | આદિજાતિ |
| 15 | અંબિકા (સુરત) | આર્ટ્સ અને કોમર્સ | આદિજાતિ |
| 16 | ખેરગામ (નવસારી) | લૉ (Law) | આદિજાતિ |
આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરમાં ડમ્પર ચાલકનો કહેર, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત
હયાત કોલેજો જ્યાં નવો પ્રવાહ શરૂ થશે
રાજ્યની 8 સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને નવા વિષયો શરૂ કરાશે:
1. માંડલ(અમદાવાદ): કોમર્સ
2. બાયડ(અરવલ્લી): કોમર્સ કે સાયન્સ
3. તારાપુર(આણંદ): સાયન્સ
4. ચોટીલા(સુરેન્દ્રનગર): કોમર્સ
5. જામખંભાળિયા(દેવભૂમિ દ્વારકા): સાયન્સ
6. સાવલી(વડોદરા): સાયન્સ
7. વાંસદા(નવસારી): સાયન્સ (આદિજાતિ)
8. દાંતા(બનાસકાંઠા): સાયન્સ - કોમર્સ (આદિજાતિ)
આ નિર્ણયથી ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર વધુ મજબૂત બનશે અને છેવાડાના વિસ્તારો સુધી સરકારી શિક્ષણની પહોંચ વધશે.








