Gujarat farmers: ચોમાસામાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા સહિત અન્ય જિલ્લામાં ખેતીને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. પરિણામે દિવાળીની મોડી સાંજે રાજ્ય કૃષિ વિભાગે 1138 કરોડ રૂપિયાનું કૃષિ રાહત સહાય પેકેજની જાહેરાત કરી હતી. આ વાતને 6 મહિના વીત્યા છે ત્યારે હજુ પણ 700થી વધુ ખેડૂતોને સહાય મળી શકી નથી.
ખુદ કૃષિ વિભાગે વિધાનસભામાં કબૂલાત કરી
ગુજરાતના ખેડૂતો માટે હવે ખેતી કરવી મુશ્કેલ બની છે. કારણ કે, એક બાજુ, ખાતર, બિયારણથી માંડીને ખેત મજૂરી મોંઘી થઈ છે. સિંચાઈના પાણી-વીજળીની સમસ્યાથી ખેડૂતો પીડિત છે. અથાગ મહેનતના અંતે પણ પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. હવે કુદરત પણ રુઠી છે. અતિવૃષ્ટિને પગલે બનાસકાંઠા સહિત કુલ છ જિલ્લાના ખેડૂતોને સહાય માટે રાજ્ય કૃષિ વિભાગે હજુ 700થી વધુ ખેડૂતોને સહાય ચૂકવી નથી. ખુદ કૃષિ વિભાગે વિધાનસભામાં આ વાતની કબૂલાત કરી છે.
આ પણ વાંચો: રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી 'ગરીબ' કોણ?
આ ઉપરાંત કૃષિ વિભાગે વધુ એક 10 હજાર કરોડ રૂપિયાનું પણ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું, તેમાં પણ ઘણાં ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યાં પછીય ખેડૂતોને પૈસા ચૂકવાયા નથી. માત્ર દ્વારકા જિલ્લામાં જ 971 ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઈ છે. પરંતુ પૈસા ચૂકવવામાં કૃષિ વિભાગ ગલ્લાતલ્લાં કરી રહ્યું છે.


