Get The App

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'પરિવારવાદ' ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'પરિવારવાદ' ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા 1 - image


Gujarat Election Results: રાજકારણને પોતાની જાગીર સમજતા નેતાઓ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ એક બોધપાઠ લઈને આવ્યું હતું. ધારાસભ્ય પિતાના જોરે ચૂંટણી જંગમાં ઉતરેલા 'યુવરાજ' સાહેબોને હારનો સ્વાદ ચખાડ્યો છે. એવું લાગે છે કે જનતા હવે પેઢી દર પેઢી ચાલતી આ 'રાજકીય દુકાનદારી'માં જરાય રસ રહ્યો નથી. એટલે જ ધારાસભ્યના પુત્રો-પિતરાઈ ભાઈ ચૂંટણી હાર્યા હતાં.

પિતાની રાજકીય વગ નેતાપુત્રોને ન બચાવી શકી

બનાસકાંઠા જિલ્લાની વિરમપુર તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય કાંતિ ખરાડીના પુત્ર દિનેશ ખરાડીને મતદારોએ સ્વીકાર્યા નહીં. તેમની 200થી વધુ મતોથી હાર થઈ હતી. નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈના પિતરાઈ ભાઈ હેમલ ચીનુભાઈ પટેલનો પણ પરાજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, હેમલ પટેલને ટિકિટ અપાવવા માટે પંકજ દેસાઈએ એડીચોટીનું જોર લગાવ્યું હતું છતાં જનતાએ જાકારો આપ્યો હતો. આ જ રીતે ખેરાલુમાં પણ પરિવારવાદનો ફિયાસ્કો થયો હતો કેમકે, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના પુત્રની મલેકપુર તાલુકા પંચાયત બેઠક પર કરારી હાર થઈ હતી.

આ પણ વાંચો: આપ-કોંગ્રેસની આબરુના ધજાગરાં, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

સત્તાના જોરે મેદાનમાં ઉતરેલા નેતાપુત્રોની હાર

આ પરથી જાગૃત મતદારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, કોંગ્રેસ કે ભાજપ, જો ધારાસભ્યો રાજકીય વગના જોરે પરિવારવાદ ચલાવશે તો હારનો સ્વાદ ચાખવો પડશે. ટૂંકમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પિતાની સત્તાના જોરે મેદાનમાં ઉતરેલા નેતાપુત્રોને મતદારોએ તેમની અસલી ઠેકાણું દેખાડી દીધું હતું. જે પિતાઓ પુત્રોને રાજકારણના પાઠ ભણાવતા હતા, તેમને હવે જનતાએ 'લોકશાહીનો પાઠ ભણાવ્યો' છે. મતદારોએ સાબિત કરી દીધું છે કે તેમને નેતાના લાડકા પુત્રો કરતા લોકસેવકોની વધુ જરૂર છે.