ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, અત્યાર સુધીમાં 22 બાળકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Chandipura Virus Cases Update: ગુજરાતમાં 15 વર્ષથી નાની વયના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અને સારવાર સઘન બનાવાઈ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, 'સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 11 સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે.'
22 બાળકોના મોત, 7 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ
નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી અત્યાર સુધીમાં 22 બાળકોના ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યા છે. હાલમાં 7 પોઝિટિવ દર્દીઓ રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે 6 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંધીનગર, સાબરકાંઠા (હિંમતનગર), પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દાખલ બાળકોની સ્થિતિ પર તબીબો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
તિરાડો પૂરવા અને જંતુનાશક દવાઓના છંટકાવની સૂચના
વાયરસના કેસો કોઈ એક ચોક્કસ સ્થળે કે ગામ પૂરતા સીમિત ન રહીને વિવિધ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાઉન્ડ લેવલે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં માટી કે કાચા મકાનોની તિરાડો પૂરવા માટે નાગરિકોને સલાહ આપવામાં આવી છે. પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ શરૂ કરાયો છે. તમામ સરકારી અને ખાનગી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા ધરાવતા ICU બેડમાં દાખલ કરવા સૂચના અપાઈ છે, જેથી ‘મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર’ જેવી ગંભીર સ્થિતિ અટકાવી શકાય.
ચોક્કસ રસી કે દવા ઉપલબ્ધ નથી, સંશોધન ચાલુ
હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી કે દવા ઉપલબ્ધ ન હોવાથી તબીબો અને સંશોધકોની ટીમ દ્વારા રસી અને અસરકારક દવાની શોધ માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને કાચા મકાનો કે માટીની દિવાલોની તિરાડોનું તુરંત પુરાણ કરાવવા તથા બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ જેવા લક્ષણો જણાતાં જ સમય ગુમાવ્યા વિના નજીકની સરકારી જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરવા અને અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે.









