GSRTCનો મોટો નિર્ણય: રક્ષાબંધન દરમિયાન 6,500 એક્સ્ટ્રા બસો દોડાવાશે, મુસાફરોના ઘસારાને પહોંચી વળવા ખાસ આયોજન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GSRTC Rakshabandhan Extra Buses: રક્ષાબંધનના પવિત્ર તહેવાર દરમિયાન બહેનો અને મુસાફરોને મુસાફરીમાં કોઈ અગવડ ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે 2026માં પણ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે તારીખ 26થી 30 ઑગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ 6,500 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તીર્થધામો અને મુખ્ય શહેરોના રૂટ પર વિશેષ સંચાલન
તહેવારોના દિવસોમાં મુસાફરોના ભારે ઘસારાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા ખાસ પ્લાનિંગ કરાયું છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોધરા, પાલનપુર, નડિયાદ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ જેવા મુખ્ય શહેરો ઉપરાંત પાવાગઢ સહિતના જાણીતા પ્રવાસન અને તીર્થધામોના રૂટ પર વધારાની બસો સંચાલિત કરવામાં આવશે.
ઍડવાન્સ બુકિંગની સુવિધા
ચાલુ વર્ષે પણ રક્ષાબંધન નિમિત્તે બહેનો અને તેમના પરિવારજનો સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે તે માટે ઍડવાન્સ બુકિંગ તેમજ વધારાની બસોની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ એક્સ્ટ્રા પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.
ગત વર્ષે 3.33 લાખ મુસાફરોએ લીધો હતો લાભ
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રક્ષાબંધન પર્વ દરમિયાન ST નિગમ દ્વારા નિયમિત બસ સર્વિસ ઉપરાંત 6,402 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવી હતી. જેનો લાભ લઈને 3.33 લાખ મુસાફરોએ સુરક્ષિત અને સુવિધાજનક રીતે મુસાફરી કરી હતી. આ સફળતાને ધ્યાને રાખીને આ વર્ષે એક્સ્ટ્રા ટ્રીપોની સંખ્યા વધારીને 6,500 કરવામાં આવી છે.









