કોરોનામાં જીવ ગુમાવનારા GSRTCના કર્મચારીઓના પરિવારજનો માટે સહાયની જાહેરાત, 25 લાખ આપશે સરકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GSRTC Covid Warriors: કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના 115 કર્મચારીઓના પરિવારોને રૂ. 25 લાખની એક્સ-ગ્રેશિયા સહાયના ચેકનું વિતરણ 27 જુલાઈના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 સ્થિત નર્મદા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે. આ પહેલ હેઠળ કુલ રૂ. 28.75 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
કુલ 115 કર્મચારીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા
રાજ્યના જાહેર પરિવહનની કરોડરજ્જુ સમાન GSRTC દરરોજ 8,000થી વધુ બસોનું સંચાલન કરીને 34 લાખ કિલોમીટરથી વધુ અંતર કાપે છે અને 27 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે. કોર્પોરેશનના ડ્રાઇવરો, કંડક્ટરો અને મિકેનિકો જાહેર પરિવહન વ્યવસ્થાને સતત કાર્યરત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્ષ 2020–21માં કોવિડ-19 મહામારી દરમિયાન GSRTCએ ગુજરાતમાં રહેતા પ્રવાસી શ્રમિકો અને મજૂરોને તેમના વતન સુધી સુરક્ષિત પહોંચાડવા માટે ત્રણ રાજ્યોમાં 22,953 ટ્રિપ્સ યોજીને 6,99,357 મુસાફરોને તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા. આ વિશાળ રાહત કામગીરી દરમિયાન ફરજ બજાવતાં અનેક કર્મચારીઓ સંક્રમિત થયા હતા, જેમાં 39 ડ્રાઇવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 મિકેનિક મળી કુલ 115 કર્મચારીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
GSRTC એક નિગમ હોવાના કારણે ટેકનિકલ આંટીઘૂંટી ઊભી થઈ
ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 ફરજ દરમિયાન સરકારી કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં તેમને 'કોરોના વોરિયર' ગણીને આર્થિક સહાય ચૂકવવાનો પરિપત્ર હતો. પરંતુ GSRTC એક નિગમ હોવાના કારણે તેના કર્મચારીઓના પરિવારજનોને આ લાભ મળવા અંગે ટેકનિકલ આંટીઘૂંટી ઊભી થઈ હતી. આ મુદ્દાને અત્યંત સંવેદનશીલતાથી ધ્યાને લઈને તેનો યોગ્ય રસ્તો કાઢવામાં આવ્યો છે અને GSRTCના તમામ 115 મૃતક કર્મચારીઓને કોરોના વોરિયર ગણીને તેમના વારસદારોને રૂ. 25 લાખની સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. કોર્પોરેશન દ્વારા રચાયેલી વિશેષ સમિતિની વિગતવાર ચકાસણી બાદ આ પાત્ર પરિવારો નક્કી કરવામાં આવ્યા છે.









