Get The App

પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા 1 - image

રાજકોટ નજીકના રફાળા ગામની ઘટના

પ્રેમિકાએ ઝેર પી લીધું છતાં પ્રેમી તેને સમયસર હોસ્પિટલ ના લઈ ગયો, કુવાડવા પોલીસે સકંજામાં લઈ લીધો

રાજકોટ: મૂળ મધ્યપ્રદેશની અને હાલ વાંકાનેરના તીથવા ગામે અબ્દુલભાઈ ગઢવાળાની વાડીમાં પરિવાર સાથે રહેતી શરમા ઉર્ફે શારમતી નામની ૧૮ વર્ષની યુવતી પ્રેમી સાથે ભાગી ગયા બાદ તેના પ્રેમીની રફાળા ગામે આવેલી વાડીમાંથી રહસ્યમય સંજોગોમાં તેની લાશ મળી આવી હતી. કુવાડવા પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે શરમાને પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં ઝેરી દવા પી લીધી હતી. આમ છતાં તેનો પ્રેમી તેને દવાખાને નહીં લઈ જતાં મૃત્યુ નીપજયું હતું. 

કુવાડવા રોડ પોલીસે તેના પ્રેમી બુસા દુલા રાઠોડ (રહે. મૂળ જાંબુવા) વિરૂધ્ધ સમયસર દવાખાને નહીં લઈ જઈ, બેદરકારી દાખવી,  મોત નિપજાવવાની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી છે. 

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ  શરમા ત્રણ ભાઈઓમાં સૌથી મોટી હતી. ગઈ તા.૩નાં રોજ બપોરે વાડીએથી લાપત્તા બની ગઈ હતી. તેના પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પરંતુ પત્તો મળ્યો ન હતો, જેથી વાંકાનેર પોલીસ મથકમાં ગુમ થયાની જાહેરાત કરવા ગયા હતા. પરંતુ જન્મ તારીખના દાખલા સહિતના દસ્તાવેજો ન હોવાથી ગુમ નોંધ થઈ ન હતી, જેને કારણે તેના પિતા જોગાભાઈ ભુરીયા વતન દસ્તાવેજો લેવા ગયા હતા. ગઈ તા.પનાં રોજ તેને આરોપી બુસાએ કોલ કરી કહ્યું કે તમારી દીકરી શરમા મારી સાથે છે. ત્યાર પછી તેની સાથે વાત પણ કરાવી હતી. આ પછી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. 

આ સ્થિતિમાં તે બુસાની તપાસ માટે તેના વતન ગયા હતા. પરંતુ પત્તો લાગ્યો ન હતો. ગઈકાલે પોતાના વતન હતા ત્યારે તેના સંબંધીએ પુત્રી શરમાએ રફાળા ગામે રાત્રે બારેક વાગ્યે ઝેરી દવા પી લીધાનું કહ્યું હતું. જેને કારણે તત્કાળ રફાળા ગામે સુરેશભાઈ સેલડીયાની વાડીએ પહોંચ્યા હતા. જયાં તેની પુત્રી શરમા મૃત હાલતમાં મળી આવી હતી. સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવાતાં તબીબોએ ૧૮થી ૩૬ કલાક પહેલાં ઝેરી દવા પી લેવાથી મોત નિપજયાનો અભિપ્રાય આપ્યો હતો. 

કુવાડવા રોડ પોલીસે તપાસ આગળ ધપાવતા જાણવા મળ્યું કે શરમાને બુસા સાથે ખેતમજુરી કરતી વખતે પ્રેમસંબંધ બંધાયો હતો. જેને કારણે તેની સાથે ભાગી ગઈ હતી. આ પછી તેને બુસો ત્રણ સંતાનોનો પિતા હોવાની માહિતી મળતાં ઝેરી દવા પી લીધી હતી. આમ છતાં બુસો તેને હોસ્પિટલ નહીં લઈ જતાં દમ તોડી દીધો હતો.