વડોદરાઃ અખાતી દેશોમાં ભડકેલા યુધ્ધના કારણે હવે ગેસ સિલિન્ડરો માટે મારામારી જોવા મળી રહી છે.ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરોમાં કાપ મૂકવાના કારણે ફૂડ ઈન્ડસ્ટ્રીઝ પર ગંભીર અસર થઈ રહી છે.
વડોદરામાં હોટલો અને રેસ્ટોરન્ટો બાદ હવે ફરસાણની દુકાનોના વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે.શહેરના ફરસાણના વેપારીઓના એસોસિએશનના પૂર્વ પ્રમુખ રાધેશ્યામભાઈનું કહેવું છે કે, ફરસાણના ઘણા વેપારીઓ પાસે પાઈપલાઈન ગેસ અને ડિઝલની ભઠ્ઠીની સુવિધા છે.તેમને તો વાંધો આવે તેમ નથી પણ ૫૦૦થી વધારે વેપારીઓ એવા છે જેઓ ફરસાણ બનાવવા માટે ગેસ સિલિન્ડર પર આધારિત છે અને તેમની ચિંતા વધી છે.કારણકે વેપારીઓ પાસે ગેસ સિલિન્ડરનો સ્ટોક તો હોતો નથી.આ વેપારીઓને ગેસ સિલિન્ડર નહીં મળે તો પ્રોડક્શન ઓછું કરવું પડશે અથવા તો બંધ કરવું પડશે.
બીજી તરફ ફરસાણ એસોસિએશનના વર્તમાન પ્રમુખ ભરતભાઈ રાણાનું કહેવું છે કે, રેસ્ટોરન્ટો કરતા ફરસાણના વેપારીઓની સ્થિતિ ઓછી ખરાબ છે.હજી સુધી મને વેપારીઓ તરફથી કોઈ ગંભીર ફરિયાદ મળી નથી તેમજ ફરસાણના ભાવ વધે તેવી સ્થિતિ અત્યારે તો દેખાતી નથી.શક્ય છે કે, કેટલાક વેપારીઓને ગેસ સિલિન્ડર ના હોય તો બીજેથી ફરસાણ મંગાવીને વેચવું પડે.
રાંધણ ગેસની અછત યથાવત રહી તો
૧૫ માર્ચ પછી કેટરિંગ સર્વિસના સંચાલકો નવા ઓર્ડર નહીં લઈ શકે
ડીલરો કહે છે કે, કોમર્શિયલ ગેસના સિલિન્ડરોનું ભલે બૂકિંગ કરાવ્યું હોય પણ મળવાની ગેરંટી નથી
કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હોવાથી કેટરિંગ સર્વિસ ચલાવતા સંચાલકોના માથા પર પણ ચિંતાના વાદળો છવાયેલા છે.વડોદરાના કેટરર્સ એસોસિએશનના પ્રમુખ કૃણાલ પટેલનું કહેવું છે કે, તા.૧૫ માર્ચ સુધી લગ્નસરાની સિઝન છે.જોકે શિયાળાની સરખામણીએ ઉનાળામાં લગ્નો ઓછા હોય છે એટલે મોટાભાગના સંચાલકો મેનુમાં ફેરફાર કરીને કે લાઈવ કાઉન્ટર ઓછા રાખીને ઓર્ડર પૂરા કરી શકે તેમ લાગે છે.ઉપરાંત સંચાલકો એક બીજાની પાસે પડેલા સિલિન્ડરથી કામ ચલાવી રહ્યા છે.જોકે કોઈની પાસે પાંચથી વધારે સિલિન્ડર એક સાથે ઉપલબ્ધ હોતા નથી.કારણકે તેનાથી વધારે સિલિન્ડર રાખવાની મનાઈ છે.જો ગેસની અછત યથાવત રહી તો તા.૧૫ માર્ચ પછી કેટરિંગ સર્વિસના સંચાલકો કોઈ પણ જાતના ઓર્ડર નહીં લઈ શકે.ડીલરો પાસે પણ જાણકારી નથી કે કોર્મશિયલ સિલિન્ડર ક્યારથી નિયમિત રીતે મળતા થશે.બૂકિંગ અગાઉથી કરાવ્યું હોય તો પણ અત્યારે ડીલરો કહે છે કે , તમે બૂક કરાવ્યા હોય તેટલા સિલિન્ડર મળવાની ગેરંટી નથી.


