Get The App

સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં દિવા તળે અંધારા જેવો ઘાટ : પાલિકાની ગંભીર બેદરકારીથી કેટલાક પ્લોટ બન્યા ઉકરડા

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં દિવા તળે અંધારા જેવો ઘાટ : પાલિકાની ગંભીર બેદરકારીથી કેટલાક પ્લોટ બન્યા ઉકરડા 1 - image

Surat Corporation : સુરત મહાગરપાલિકાના સ્વચ્છતા સર્વેક્ષણ માટે તડામાર કામગીરી કરી સ્વચ્છતા લીગમાં અગ્રેસર રહેવા માટે પ્રયાસ કરી રહી છે. પંરતુ દીવા તળે અંધારું હોય તેમ પાલિકાના કેટલાક પ્લોટમાં જ પારાવાર ગંદકી હોવાથી ઉકરડા બની રહ્યાં છે. હાલમાં પાલિકાના પ્લોટમાંથી ગેરકાયદે મોટી ચોરીની ચોંકાવનારી વાત બહાર આવી હતી ત્યાર બાદ હવે પાલિકાના પ્લોટમાં ગંદકીના કારણે આસપાસ રહેતા લોકોના આરોગ્ય સામે જ ખતરો ઉભો થયો છે. સામાન્ય પ્રજાની વાત તો દુર રહી પરંતુ પાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષ રહે છે તેમના ઘર નજીક જ પાલિકાના પ્લોટમાં ગેરકાયદે દબાણ, ગંદકીની વ્યાપક ફરિયાદ બહાર આવી છે. જો આરોગ્ય સમિતિના અધ્યક્ષના ઘરની નજીકના પાલિકાના પ્લોટમાં સફાઈ થતી ન હોય તો અન્ય પ્લોટની હાલત કેવી હશે તે કલ્પના જ કરવી રહી. 

સુરત પાલિકાના પ્લોટ પર અસામાજિક તત્વો કબ્જો ન કરે તે માટે કમ્પાઉન્ડ વોલ બનાવવા કે ફેન્સીંગ પણ કરવામા આવે છે. પરંતુ માથાભારે તત્વોને પાલિકાનો ખોફ ન હોય તેમ પ્લોટના દરવાજા પર મારેલા તાળા તોડીને પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી રહ્યાં છે. પાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષ રહે છે તેની બાજુમાં જ પાલિકાનો અનામત પ્લોટ આવ્યો છે. આ પ્લોટ ફરતે પાલિકાએ દિવાલ બનાવી છે અને ગેટ પણ બનાવ્યો છે. આ ગેટ પર તાળુ માર્યું હોવા છતાં માથાભારે દબાણ કરનારાઓએ ગેટના તાળા તોડી અંદર દબાણનો સામાન મુકી દીધો છે. એટલું જ નહી પરંતુ દબાણ કરનારા અહી કુદરતી હાજત પણ કરતા હોવાથી પારાવાર ગંદકી થઈ રહી છે. 

આ પ્લોટ પાલિકાનો હોવાછતાં સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે મચ્છરનો ત્રાસ વધ્યો છે અને મચ્છરજન્ય રોગનો લોકો ભોગ બની રહ્યાં છે. આ પ્રકારની ફરિયાદ લાંબા સમયથી છે અન માથાભારે તત્વોના દબાણ પાલિકાના પ્લોટ અને જાહેર રસ્તા પર હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં ઉદાસિનતા દાખવવામાં આવી રહી છે. પાલિકાની બેદકારીનો ભોગ સ્થાનિકોએ બનવું પડી રહ્યું છે. પાલિકા તંત્ર પાલિકાના જ પ્લોટમાં દબાણ દુર કરી શકતી નથી અને સફાઈ પણ કરી શકતી ન હોવાથી પાલિકા તંત્રની કામગીરી સામ લોકો શંકાની નજરે જોઈ રહ્યાં છે.