અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણી ભરેલા રોડ પર કચરો ઠાલવી દેવાયો, જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા વિકટ છે. ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોનલ સિનેમા રોડ પર પાણી ભરાયુ હતું ત્યારે શ્રીનંદનગર વિભાગ-3માંથી એકત્ર કરેલા કચરાના છ જેટલા પીપડા પાણીમાં ઠલવી દેવામાં આવ્યા હતા. જે બાબતને લઇને અન્ય સોસાયટીના સંચાલકોએ સફાઇ એજન્સી વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી છે.
શહેરના વેજલપુર સોનલ સિનેમા રોડ અને બકેરી સીટીમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સૌથી વિકટ છે. જેના કારણે હજારો પરિવારોને અડધા કલાકના વરસાદમાં પણ પારાવાર મુશ્કેલી પડે છે. ત્યારે સ્થાનિક લોકોની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શ્રીનંદનગર વિભાગ-3ના મકાનોમાંથી આશરે છ જેટલા પીપડામાં કચરો એકત્ર કરાયો હતો.
જે કચરાને સામાન્ય રીતે પાણી ઉતરે તે પછી ડોર ટુ ડોર કલેક્શન વાન દ્વારા એકત્ર કરવામાં આવે છે. પરંતુ, આ કચરાનો યોગ્ય રીતી નિકાલ કરવાને બદલે વિભાગ-3માં સાફસફાઇનું કામ કરતી એજન્સીના સ્ટાફે તમામ કચરો બહાર એકઠા થયેલા પાણીમાં ઠાલવી દીધો હતો. જેના કારણે આ કચરો પાણીમાં ફેલાઇ ગયો હતો.
આ સમયે રસ્તા પર જતા લોકોએ વિરોધ કરતા સફાઇ એજન્સીનો કર્મચારી ધમકી આપીને ચાલ્યો ગયો હતો. આસપાસની સોસાયટીના લોકોએ જણાવ્યું કે એક સાથે પાણીમાં કચરો ઠાલવવામાં આવતા ગટરમાં પાણી જતુ નથી અને સમસ્યા વધુ વિકટ બને છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે. જેથી ચોક્કસ દાખલો બેસાડી શકાય.




