Get The App

ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો

કોચના દરવાજા પાસે ગાંજાનો જથ્થો ભરેલી બેગ બિનવારસી હાલતમાં પડી હતી

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો 1 - image

વડોદરા, તા.17 ભાવનગર તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં દરવાજા પાસે પડેલી ચાર બેગમાંથી રૃા.૧૮.૨૮ લાખ કિંમતનો બિનવારસી ગાંજાનો જથ્થો મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા રેલવે પોલીસના એસઓજીનો સ્ટાફ ગઇકાલે સુરતથી કકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ માટે રવાના થયો હતો. ટ્રેનના વિવિધ કોચમાં તેઓ શંકાસ્પદ વસ્તુઓ ચેકિંગ કરતા હતા ત્યારે બી-૨ કોચમાં આવતા દરવાજા પાસે બે ટ્રોલીબેગ, બે પેકપેક શંકાસ્પદ હાલતમાં બિનવારસી હાલતમાં મળી હતી. પોલીસ સ્ટાફે આ બેગો કોની છે તે અંગે કોચમાં પૂછપરછ કરતાં આ બેગો કોઇની નહી હોવાનું જણાયું હતું.

દરમિયાન બેગ ખોલી ચેક કરતાં અંદરથી તીવ્ર દુર્ગધ મારતી હતી જેથી વનસ્પતિજન્ય ગાંજો હોવાનું પ્રાથમિક જણાયું  હતું. ગ્રે કલરની ટ્રોલીબેગમાં સાત બંડલો, કેસરી રંગની રેક્ઝિનની ટ્રોલીબેગમાંથી ૫ બંડલો તેમજ કાળા રંગની બેગપેકમાં એક અને કાળા મોરપિછ કલરની બેકપેકમાં એક બંડલ મળ્યું  હતું. ચારેય બેગોમાં કુલ ૩૬ કિલો ૫૭૦ ગ્રામ ગાંજો મળ્યો હતો. આ ગાંજાની કિંમત ૧૮.૨૮ લાખ થાય છે.

પોલીસે જણાવ્યું હતું કે ગાંજાનો બિનવારસી જથ્થો કબજે કરવામાં આવ્યો છે. કોઇ શખ્સ પોલીસની હાજરી જોઇને ગાંજો ભરેલી બેગ બિનાવારસી છોડી ગયો હતો. આ અંગે વડોદરા રેલવે પોલીસમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.