Gujarat

રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી ઉતારૃના ખિસ્સા ખાલી કરતી ટોળકીને ઝડપી લેવાઇ

By GS TEAM
7 Feb 20262 mins read
રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી ઉતારૃના ખિસ્સા ખાલી કરતી ટોળકીને ઝડપી લેવાઇ

પાટનગરમાં સેક્ટર-૧૬ના બેંક એરિયામાંથી જ

મહિલા સહિતના આરોપીઓએ ૧૦ દિવસ પહેલા માણસાના વૃદ્ધને શિકાર બનાવી થેલીમાંથી રૃપિયા ૫૦ હજાર ચોર્યા હતાં

ગાંધીનગર :  રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં રહીને અન્ય મુસાફરોના ખિસ્સા ખાલી કરી નાંખતી ટોળકીના એક મહિલા સહિત ત્રણ સભ્યોને સેક્ટર ૧૬ના બેંક એરિયામાંથી ઝડપી લેવાયા હતાં. આરોપીઓએ હજુ દસ દિવસ પહેલાં જ માણસા પંથકના વૃદ્ધને શિકાર બનાવીને તેની થેલીમાંથી રૃપિયા ૫૦ હજારના બંડલની ચોરી કરી હતી. હાથના કસબીઓની આ ત્રિપુટીની સાથે સામેલ અન્ય એક આરોપીની પોલીસે શોધ આદરી છે.

માણસા તાલુકાના આમજા ગામે રહેતા કનુભાઇ મોહનભાઇ પ્રજાપતિએ તેના નાણા ચોરી થયાની ફરિયાદ ગત તારીખ ૨૯મીએ પાટનગરમાં સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના પગલે રીક્ષા ગેંગને સાણસામાં લેવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઇ હતી. ઇન્સપેક્ટરએ જણાવ્યું કે તેની ટીમને રિક્ષા ગેંગ સેક્ટર ૧૬ના બેંક એરિયામાં હોવાની માહિતી મળવાના પગલે ત્યાં પહોંચીને અમદાવાદના કુબેર નગર વિસ્તારમાં રહેતા જીતુ ગીરધારી પારદાસાણી, પુનમબેન  ધીરૃભાઇ જંદારડા અને અસારવામાં રહેતા સુરેશ છપ્પનભાઇ પટણીને પકડી પાડીને રીક્ષા જપ્ત કરી હતી.

આરોપીઓ પાસેથી રૃપિયા ૫૦ હજારની રોકડ પણ કબ્જે કરવામાં આવી હતી. જ્યારે આ ટોળકીના સગરીત એવા મેઘાણીનગરમાં રહેતા પ્રકાશ ચમનભાઇ પટણીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. ગત તારીખ ૨૯મીએ આ ટોળકીએ ફરિયાદી કનુભાઇ પ્રજાપતિને નિશાન બનાવ્યા હતાં. તેમણે સામાજિક પ્રસંગ ઉકેલવા માટે ગુજરાત કો-ઓપરેટિવ બેંકમાંથી રૃપિયા ૧ લાખ ઉપાડયા હતાં અને ઘ ૫ સર્કલ પાસે વાહનની રાહ જોતા હતાં ત્યારે આરોપીઓઔએ તેમને સસ્તા ભાડાનું કહીને રિક્ષામાં બેસાડયા બાદ સેક્ટર ૨૪માં પહોંચીને અન્ય મુસાફરોને ઉતારીને ફટાફટ આવું તેમ કહીને કનુભાઇને ઉતારી દઇ રીક્ષા ચાલક સહિત આરોપીઓ નાશી ગયા હતાં.