Gujarat

ગાંધીનગરમાં અંબાપુર કેનાલમાં બાઈક ખાબકતાં પિતા અને બે માસુમ પુત્રો તણાયા, એક બાળકનો મૃતદેહ મળ્યો

By GS TEAM
21 Feb 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગર નજીક અંબાપુર કેનાલ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક શ્વાન આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક પિતાએ પોતાના બે પુત્રો ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં એક પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજાની શોધખોળ હજુ પણ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં અંબાપુર કેનાલમાં બાઈક ખાબકતાં પિતા અને બે માસુમ પુત્રો તણાયા, એક બાળકનો મૃતદેહ મળ્યો

Gandhinagar Accident: ગાંધીનગર નજીક અંબાપુર કેનાલ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક શ્વાન આડું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક પિતાએ પોતાના બે પુત્રો ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં એક પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજાની શોધખોળ હજુ પણ ચાલુ છે.

શ્વાન આડું ઉતરતા સર્જાયો કરુણ અકસ્માત

મળતી માહિતી અનુસાર, રાજુભાઈ ઠાકોર પોતાના બે પુત્રો  યશ અને મનદીપ સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. અંબાપુર કેનાલ રોડ પરથી પસાર થતી વખતે અચાનક એક શ્વાન આડું ઉતર્યું હતું. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક જોરદાર સ્લીપ ખાઈને સીધું કેનાલના ધસમસતા પાણીમાં ખાબક્યું હતું.

બાઈક કેનાલમાં પડતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં પિતાનો આબાદ બચાવ થયો હતો અને તેમને પાણીમાંથી બહાર કાઢી લેવાયા હતા. પરંતુ કમનસીબે, પાણીનો પ્રવાહ તેજ હોવાથી તેમના બંને પુત્રો પિતાની નજર સામે જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સંતાનોને નજર સામે ડૂબતા જોઈ પિતાની હાલત અત્યંત કફોડી બની હતી.

આ પણ વાંચો: મહેસાણામાં કાળમુખો અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત

કડી પાસેની કેનાલમાંથી મોટા પુત્રનો મૃતદેહ મળ્યો

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. લાંબી શોધખોળ બાદ મોટા પુત્ર યશ ઠાકોરનો મૃતદેહ ઘટનાસ્થળેથી દૂર કડી પાસે આવેલી કરણનગર કેનાલમાંથી મળી આવ્યો છે. જ્યારે અન્ય પુત્ર મનદીપ ઠાકોર હજુ પણ લાપતા છે. તેને શોધવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. આ ગંભીર દુર્ઘટના અંગે અડાલજ પોલીસ દ્વારા જાણવા જોગ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.