- 1999ના રજિસ્ટર્ડ વિલને અવગણીને 18 વર્ષ બાદ ગેરકાયદે વારસાઈ, વેચાણ નોંધો મંજૂર કરવાનું કૌભાંડ
- આરોપીઓનો જન્મ પણ થયો ન હતો, તેઓએ વર્ષોે જૂની ઘટનાના સાક્ષી તરીકે સહીઓ કરી હોવાનું રેકોર્ડ પર આવતા કૌભાંડ છતું થયું
આ ખેલમાં માતરના નાયબ મામલતદારે પોતાના હોદ્દાનો દૂરુપયોગ કરી સિવિલ કોર્ટમાં દાવો ચાલુ હોવા છતાં વારસાઈ અને વેચાણની નોંધો મંજૂર કર્યાનો આક્ષેપ
માતર તાલુકાના રતનપુરા ગામની સીમમાં આવેલી કરોડોની કિંમતની જમીન હડપી લેવાના ઈરાદે નાયબ મામલતદાર અને અન્ય મળતિયાઓએ મળીને કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. આ કેસની વિગત મુજબ, ફરિયાદીના માસી સુરજબેન વાઘેલાએ વર્ષ ૧૯૯૯માં પોતાની સ્થાવર મિલકતો અને રહેણાંકના મકાનો અંગે કાયદેસરનું રજિસ્ટર્ડ વિલ બનાવી ફરિયાદીને વારસદાર નિમ્યા હતા. સુરજબેનનું વર્ષ ૨૦૦૦માં અવસાન થયા બાદ આ મિલકતો પર મીટ માંડીને બેઠેલા અન્ય આરોપીઓએ ૧૮ વર્ષ બાદ એટલે કે, વર્ષ ૨૦૧૯માં કાવતરું રચ્યું હતું. જેમાં ખોટા પંચકયાસ, સોગંદનામા અને બનાવટી પેઢીનામું તૈયાર કરી મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરાયો હતો.
આ સમગ્ર ખેલમાં માતરના નાયબ મામલતદાર જે.વી. પટેલે પોતાના હોદ્દાનો દૂરુપયોગ કરી સિવિલ કોર્ટમાં દાવો ચાલુ હોવા છતાં આથક લાભો મેળવીને ગેરકાયદેસર રીતે વારસાઈ અને વેચાણની નોંધો મંજૂર કરી દીધી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ જ્યારે આ બાબતે રજૂઆત કરી ત્યારે અધિકારીએ જેલમાં પૂરી દેવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ ઉઠયાં છે. આરોપીઓએ ઉભા કરેલા ખોટા પંચકયાસમાં એવી ગંભીર ભૂલ સામે આવી છે કે, પંચ તરીકે જે વ્યક્તિઓના નામ દર્શાવ્યા છે તેમની ઉંમર માત્ર ૩૧ વર્ષ બતાવી છે. જ્યારે જે-તે સમયે જેમના મૃત્યુ અંગે સાક્ષી પુરાવી છે, તે ઘટના ૫૦ વર્ષ જૂની છે. આમ, જે આરોપીઓનો જન્મ પણ થયો ન હતો, તેઓએ વર્ષોે જૂની ઘટનાના સાક્ષી તરીકે સહીઓ કરી હોવાનું રેકોર્ડ પર આવતા કૌભાંડ છતું થયું છે...
- અધિકારીએ હોદ્દાનો દૂરુપયોગ કરી આથક લાભ લીધાનો આક્ષેપ
નાયબ મામલતદાર દ્વારા વારસાઈની નોંધ નંબર ૩૬૪૬ અને ત્યારબાદ વેચાણની ફેરફાર નોંધો ૪૪૧૨, ૪૪૧૪ અને ૪૪૨૧ને ટૂંકા ગાળામાં મંજૂરી આપી દેવામાં આવી હતી. ફરિયાદીને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના અથવા નોટિસ આપ્યા વિના આ નોંધો મંજૂર કરવા પાછળ મોટા પાયે આથક વહેવાર થયા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.


