Gujarat

કાલાવડના વધુ એક ખોડના વેપારી સાથે રૂપિયા 6 લાખની છેતરપિંડીનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
કાલાવડના વધુ એક ખોડના વેપારી સાથે રૂપિયા 6 લાખની છેતરપિંડીનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો

- કાલાવડના ઓઈલમિલર સાથે છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર અને તેના અન્ય એક સાગરિત સામે ચીટિંગની ફરિયાદ નોંધાઇ

જામનગર તા.25

જામનગર જિલ્લાના કાલાવડ ના એક ઓઇલ મિલર સાથે અમદાવાદ અને મહેસાણાના બે શખ્સોએ રૂપિયા 16 લાખની કિંમતના તેલના ડબ્બા મેળવી લઇ છેતરપીંડી આચરી હોવાનો ગુનો નોંધાયા પછી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે પૈકી ના મુખ્ય સૂત્રધાર એવા એક શખ્સે કાલાવડ પંથકના અન્ય એક વેપારીને પણ રૂપિયા 6 લાખનો ચૂનો ચોપડયો હોવાનું સામે આવ્યું છે, અને મુખ્ય સૂત્રધાર અને તેના અન્ય એક સાગરીત સહિત બે શખ્સો સામે રૂપિયા 6 લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાવી છે. જે મામલે કાલાવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર જિલ્લાના કાલાવડ માં એક ઓઇલ સાથે રૂપિયા 16 લાખની છેતરપિંડી નો કિસ્સો સામે આવ્યા પછી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, અને એલસીબીની ટીમે તપાસ માં ઝુકાવી તપાસનો દોર અમદાવાદ અને મહેસાણામાં સુધી લંબાવ્યો હતો, ત્યાર પછી જામનગર નજીક હાપા વિસ્તારમાંથી ચીટીંગ કેસના મુખ્ય સૂત્રધાર એવા અમદાવાદના નિકોલ ના વતની જગત ઉર્ફે જનકભાઈ જગદીશચંદ્ર ભટ્ટ અને તેના એક સાગરીતને પકડી પાડ્યા હતા,જે બંને આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા છે.

દરમિયાન મુખ્ય સૂત્રધાર જગત સામે ચીટિંગ નો વધુ એક ગુનો સામે આવ્યો છે.

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં વ્રજ કેટલફીડ નામની પેઢી ચલાવતા રાજકોટના વતની નિરવભાઈ ભુપતભાઈ બાલધા એ પણ કાલાવડ પોલીસ મથકમાં આવી જગત ઉર્ફે જનક ભટ્ટ તેમજ તેના સાગરીત આકાશભાઈ ફૉજી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર નિરવભાઈ પાસે પણ ઉપરોક્ત આરોપીઓએ ખોટી ઓળખ આપી ખોડ નો જથ્થો મંગાવી તેની પૈસાની ચુકવણી કરી દીધી હતી. તેવા બે વખત વ્યવહાર કરીને વિશ્વાસ કેળવ્યો હતો, અને ત્યાર પછી રૂપિયા છ લાખનો ખોડ નો જથ્થો મંગાવી છેતરપિંડી આચરી હતી જે મામલે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે કાલાવડ ટાઉન પોલીસ વધુ તપાસ ચલાવે છે, અને મુખ્ય સૂત્રધાર જગતનો જેલમાંથી કબજો લેવા કાર્યવાહી હાથ ધરી છે.