Get The App

બે દિવસમાં વડોદરાથી દિલ્હીની ચાર ફ્લાઇટ મોડી પડી એક ફ્લાઇટ કેન્સલ કરાઇ, મુસાફરોને ભારે હાલાકી

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
બે દિવસમાં વડોદરાથી દિલ્હીની ચાર ફ્લાઇટ મોડી પડી એક ફ્લાઇટ કેન્સલ કરાઇ, મુસાફરોને ભારે હાલાકી 1 - image

Vadodara to Delhi flights: વડોદરા અને દિલ્હી વચ્ચે દોડતી એરલાઇન્સ સેવાઓની કથળેલી કામગીરીને કારણે મુસાફરોની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા બે દિવસથી ફ્લાઇટ્સના શિડ્યુલમાં મોટા પાયે ફેરફાર થવાને કારણે સેંકડો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે. સમયસર ફ્લાઇટ ન મળવાના કારણે અનેક લોકોના બિઝનેસ અને અંગત ક્ષેત્રના મહત્વના કામો અટકી પડ્યા છે, જેના લીધે પેસેન્જરોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તા. 18 મેના રોજ વડોદરા-દિલ્હી રૂટ પરની 4 ફ્લાઇટ્સ વિવિધ કારણોસર કલાકો સુધી મોડી ચાલી હતી. જેમાં ઇન્ડિગોની ફ્લાઇટ (6E-5014/0657) ઇનકમિંગ એરક્રાફ્ટ મોડું આવવાના કારણે 50 મિનિટ લેટ પડી હતી. જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-2881) ઓપરેશનલ કારણોસર શરૂઆતમાં 1 કલાક અને 45 મિનિટ મોડી થઈ હતી, જે બાદમાં 3 કલાક અને 40 મિનિટ મોડી પડી હતી જેને કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

ગઈકાલની 4 ફ્લાઇટ લેટ થતાં અફરાતફરી જેવો માહોલ સર્જાયા બાદ આજે તા. 19 મેના રોજ મુસાફરોની હાલત વધુ કફોડી બની હતી જ્યારે એર ઇન્ડિયાની વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટ (AI-1808) અચાનક રદ કરી દેવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ફ્લાઇટ કેન્સલ થવા પાછળનું કારણ ટેકનિકલ ખામી હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. જોકે, એરલાઇન્સ દ્વારા પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઇટ અથવા ફૂલ રિફંડની ઓફર કરવામાં આવી છે, પરંતુ ચાલુ દિવસે પ્રવાસ રદ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હી વડોદરાની ફ્લાઇટ લેટ થતાં વડોદરાના પેસેન્જરોએ દિલ્હી એરપોર્ટ પર એરલાઇન્સ કંપનીઓ સામે ભારે હોબાળો મચાવ્યો હતો ત્યારે આજે એક ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સતત ફ્લાઇટ મોડી થતાં લોકોના મહત્વના કામોને અસર થઈ રહી છે અને તેના કારણે પેસેન્જરોમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે.