કોંગી કાઉન્સિલર આશિષ જોષી પ્રોહિબિશનના કેસમાં હાલ જેલમાં છે ત્યારે આજે પૂર્વ કાઉન્સિલર પારુલ પટેલે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ડીજીપીને લેખિત ફરિયાદ કરી છે.
પારુલ પટેલે ફરિયાદમાં કહ્યું કે, તાજેતરની વડોદરા મ્યુનિ. કોર્પોેરેશનની ચૂંટણી દરમિયાન હું આશિષ જોષી સાથે ઉમેદવાર હતી અને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય વિરોધીઓએ જોષીને હરાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, તેમ છતાં તેઓ ચૂંટાઈ આવ્યા છે. જેથી પ્રોહિબિશનનો ગુનો રાજકીય અદાવતના ભાગરૃપે દાખલ કરાયો હોવાની શંકા છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, પ્રોહિબિશન કેસના મુખ્ય આરોપી પ્રમોદ પંચ નારાયણ પાંડે (રહે. ડભોઇ)ને સરળતાથી જામીન મળી રહે તે માટે તપાસ અધિકારીએ ઇરાદાપૂર્વક કોર્ટમાં ખોટો રિપોર્ટ રજૂ કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, જે કારમાંથી દારૃનો જથ્થો મળ્યાનો દાવો કરાયો છે તેમાં નંબર પ્લેટ હોવા છતાં પોલીસે તેનો ઉલ્લેખ પંચનામામાં કર્યોે નથી. ઉપરાંત, દારૃનો જથ્થો કયા સ્થળેથી અને કોની પાસેથી લાવવામાં આવ્યો તેની ચોક્કસ હકીકતો પણ જાહેર કરાઈ નથી. આમ, પોલીસે કરેલું પંચનામું ખોટું અને અધૂરું છે.
આ ઉપરાંત, ઘટનાસ્થળનું રિ-કન્સ્ટ્રક્શન પંચનામું પણ કરાયું નથી. સમગ્ર ઘટનામાં સીસીટીવી ફુટેજની તપાસ થવી જોઈએ તેમજ પોલીસકર્મીઓના કોલ ડિટેઇલ રેકોર્ડ તપાસવામાં આવે તો સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ થઈ શકે એમ પારુલ પટેલે જણાયું છે.
મુખ્ય આરોપી પ્રમોદ પાંડે સામે અગાઉ પણ સંખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. તે કેસમાં બીએનએસ કલમ ૧૧૧(૩) હેઠળ કાર્યવાહી કરાઈ હતી. જોકે હાલના કેસમાં એ જ કલમનો ઉમેરો કરાયો નથી, જેના કારણે પ્રમોદ પાંડેને ઝડપથી જામીન મળી ગયા છે.
તપાસ અધિકારીએ કોર્ટ સમક્ષ પ્રમોદ પાંડે હિસ્ટ્રીશીટર બુટલેગર હોવાની તથા તેના વિરુદ્ધ અગાઉ નોંધાયેલા ગુનાઓની માહિતી રજૂ કરી નથી. આ મામલે કોઈ આર્થિક લાભ લઈને કે ષડ્યંત્રકારોના ઈશારે પોલીસ દ્વારા ગુનાઈત કૃત્ય કરાયું છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
બીએનએસ કલમ ૧૭૩(૧) મુજબ ગુનો નોંધવાની અને સમગ્ર મામલાની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ કરાવવાની માગ ઉઠાવવામાં આવી છે.
કોની કોની સામે ફરિયાદ કરાઈ
(૧) જે.યુ. ગોહિલ (પી.આઈ.,સંખેડા)
(૨) રાહુલસિંહ ઘનશ્યામસિંહ (પો.કો.)
(૩) રાયસંગભાઈ જેસંગભાઈ (એ.એસ.આઈ)
(૪) વિજયકુમાર બારિયા ( પી.એસ.આઈ)
(૫) બાબુભાઈ પરમાર ( એ.એસ.આઈ)


