વડોદરા, તા.4 જિલ્લા ભાજપના પૂર્વ હોદ્દેદાર છગન કાનજી પટેલે ફાર્મ હાઉસમાં ફાયરિંગ કરતા હાલ જેલમાં છે પરંતુ ખેડૂતો તેમજ અન્ય સાથે દાદાગીરી કરીને મોટી રકમની ઠગાઇ કરી હોવાની ફરિયાદો આજે કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી હતી.
પોઇચા ખાતેના ફાર્મમાં છગન પટેલે ફાયરિંગ કરતા ડભોઇ તાલુકાના એક વ્યક્તિને ઇજા થતા તેને સારવાર માટે ખસેડાયો છે. લાયસન્સ ના હોવા છતાં પોતાની પાસે રિવોલ્વર લઇને ફરતા છગન પટેલ સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયો છે. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ ખેડૂતોની હિંમત ખૂલી છે અને તેઓ હવે છગન પટેલ સામે ફરિયાદ કરવા લાગ્યા છે.
દિલીપ જેઠા ડાભી, મહેન્દ્ર રમણ ડાભી અને સુરેશ બાબુભાઇ ડાભીએ એસપીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમે છગન પટેલને પોઇચા(રાણીયા)ની જમીન વેચાણ કરી નહી હોવા છતાં જમીનનો રસ્તો ગેરકાયદે બંધ કર્યા બાદ દબાણ કરી દીધું છે અને ધમકી આપી માપણી પણ કરવા દેતા નથી. જ્યારે સુરેન્દ્ર પરમારે પણ ફરિયાદ કરી જણાવ્યું હતું કે મેં પોઇચાની જમીન મૂળ માલિક પાસેથી ખરીદવા રૃા.૧૦ લાખ આપી બાનાખત કર્યુ હતું પરંતુ છગન પટેલે ધમકી આપી તે બાનાખત રદ કરાવ્યું હતું અને હજી પણ પૈસા ચૂકવ્યા નથી.
જ્યારે છગન પટેલનું ફાર્મ હાઉસ બનાવવા કોન્ટ્રાક્ટ રાખનાર આજોડ ગામના અશોકભાઇ વણકરે પણ ફરિયાદ કરી દાદ માંગી છે કે ફાર્મ હાઉસનું બાંધકામ થઇ ગયુ હોવા છતાં રૃા.૮૦ લાખ ચૂકવ્યા નથી જે અંગે કોર્ટમાં પણ કેસ કર્યો છે.


