Gujarat

આજથી ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો પ્રારંભ

By GS TEAM
6 Apr 20262 mins read
આજથી ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો પ્રારંભ

- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનુ જાહેરનામુ બહાર પડાશે, ચૂંટણી શાખામાં ફોર્મ સ્વિકારાશે  

- 15 એપ્રિલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ, 26 એપ્રિલે સામાન્ય ચૂંટણી, 28 એપ્રિલે મતગણતરી 

ભાવનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આવતીકાલે સોમવારથી ભાવનગર શહેર-જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનુ જાહેરનામુ બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. 

ભાવનગર મહાનગરપાલિકા, ત્રણ નગરપાલિકા, જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયતની ચૂંટણી ગત તા. ૧ એપ્રિલે જાહેર થઈ હતી. આવતીકાલ સોમવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનુ જાહેરનામુ બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાનુ શરૂ થશે. પ્રથમ દિવસે ઘણા ઉમેદવારો ફોર્મ લઈ જશે પરંતુ ફોર્મમાં ઘણી માહિતી ભરવાની હોવાથી એક-બે દિવસ બાદ ઉમેદવારો ફોર્મ જમા કરાવશે. કેટલીક રાજકીય પાર્ટીઓએ હજુ સત્તાવાર ઉમેદવારોની જાહેરાત પણ કરી નથી તેથી શરૂઆતના દિવસોમાં મુખ્ય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરશે નહી તેમ જણાય રહ્યુ છે. મુખ્ય રાજકીય પક્ષો ઉમેદવારના નામની જાહેરાત કરશે ત્યારબાદ મુખ્ય રાજકીય પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે. અપક્ષ ઉમેદવારો કદાચ શરૂઆતના દિવસોમાં ફોર્મ ભરશે તેમ જણાય રહ્યુ છે. 

ચૂંટણીમાં આગામી તા. ૧૧ એપ્રિલે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહેશે. આગામી તા. ૧૩ એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. આગામી તા. ૧પ એપ્રિલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. ર૬ એપ્રિલે મતદાન થશે અને ર૭મીએ જો જરૂરી હોય તો પુનઃમતદાન કરી શકાશે. ર૮ એપ્રિલે મતગણતરી હાથ ધરાશે અને ૩૦ એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. ઉમેદવારી ફોર્મ જિલ્લા કલેક્ટર કચેરી, બહુમાળી ભવન, મામલતદાર કચેરી સહિતના જુદા જુદા સ્થળે સ્વકારાશે તેમ ચૂંટણી શાખાના સુત્રોએ જણાવેલ છે. 

પ્રથમ દિવસથી જ ઉમેદવારી ફોર્મનો ઉપાડ શરૂ થશે 

ભાવનગર શહેર-જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આવતીકાલ સોમવારથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ દિવસથી જ ઉમેદવારી ફોર્મનો ઉપાડ શરૂ થશે તેમ જણાય રહ્યુ છે. અપક્ષ ઉમેદવારો ફોર્મ ઉપાડશે તેમજ મુખ્ય પાર્ટીમાંથી જે ઉમેદવારોના નામ જાહેર થયા છે અથવા સુચના હોય તેવા કેટલાક ઉમેદવારો ફોર્મ ઉપાડશે તેમ ચર્ચાય રહ્યુ છે. 

અંતિમ દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવા ધસારો વધશે 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવતીકાલ સોમવારથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ ભાજપે હજુ ઉમેદવાર પણ જાહેર કર્યા નથી, જયારે કોંગ્રેસ અને આપ પાર્ટીએ કેટલાક ઉમેદવારના નામ જાહેર કર્યા છે. મુખ્ય પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ અંતિમ દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવા ધસારો વધશે તેમ જણાય રહ્યુ છે. ૬ દિવસમાં કેટલા ઉમેદવાર ફોર્મ ભરે છે ? તેની રાહ જોવી જ રહી.