Gujarat

ખંભાળિયા: ટેન્કરમાં લઈ જવાતો રૂ.16.72 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

By GS Team
27 Jun 20202 mins read
This article was originally published on 27 Jun 2020
ખંભાળિયા: ટેન્કરમાં લઈ જવાતો રૂ.16.72 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ખંભાળિયા, તા. 27 જુન 2020, શનિવાર

ખંભાળિયા જામનગર હાઈવે પર ગત મોડી રાત્રીના સમયે એલસીબીના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન પસાર થતા સિમેન્ટના એક વાહનને પોલીસે અટકાવી ચેકિંગ કરતા તેમાંથી રૂપિયા 16.73 લાખની કિંમતની 460 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કુલ રૂપિયા 28.73 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત ટેન્કર ચાલક તથા પાયલોટીંગ કરનાર બાઈક ચાલક નાસી છૂટવામાં સફળ થયા હતા.

જામનગર તરફથી ખંભાળિયા બાજુ આવી રહેલા અને હાઈ બોન્ડ સિમેન્ટના ટેન્કરને પોલીસ સ્ટાફે થોભવા માટે કહેતા ટેન્કર ચાલક વાહન ઊભું રાખવાને બદલે જામનગર તરફ હંકારી ગયો હતો. પરંતુ આગળ જલિયાણ પેટ્રોલ પંપ પાસે વોચમાં રહેલા સ્ટાફે આ ટેન્કરને રોકી કીધું હતું.

ટેન્કરનો ચાલક અંધારામાં નાસી છૂટવામાં સફળ થયો હતો. જ્યારે આ સ્થળેથી ક્લીનર અને રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના શેડવા તાલુકાના ભેદુરી ગામનો રહીશ દિનેશ ભાગીરથરામ બીશ્નોઈ (ઉ.વ. 24) નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો.

આથી પોલીસે આ ટેન્કરનું ચેકિંગ કરતા ટેન્કરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી. આમ 5520 બોટલ વિદેશી દારૂનો જથ્થો સાંપડ્યો હતો. આ ઉપરાંત રૂપિયા બાર લાખની કિંમતના ટેન્કર મળી કુલ રૂપિયા 28,72,800/- નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા ટેન્કરના ક્લીનર દિનેશ બીશ્નોઈની અટકાયત કરી, કોરોના અંગેનું સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ટેન્કર ચાલક રાજસ્થાન રાજ્યના ઝાલોર જિલ્લાના સાચોર ગામના માંગીલાલ તેજારામ બીશ્નોઈ નાશી છુટતા પોલીસે ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.

મહત્ત્વની બાબત તો એ છે કે ટેન્કરને પાયલોટિંગ કરવા માટે આગળની તરફથી એક મોટરસાયકલ ચાલક જઈ રહ્યો હતો. પરંતુ પોલીસ કાર્યવાહી દરમિયાન એ પણ નાસી છૂટ્યો હતો. દારૂનો આ વિશાળ જથ્થો રાજસ્થાનથી ગોધરા, અમદાવાદ, ધ્રાંગધ્રા તથા મોરબી માર્ગે થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ્યો હતો. દારૂનો જંગી જથ્થો મંગાવનારનું નામ હજુ ખુલ્યુ નથી. પરંતુ પાયલોટિંગ કરનાર બાઈકચાલક અથવા ટેન્કરના ચાલક ઝડપાઈ ગયા બાદ તેનું નામ ખૂલશે તેવી શક્યતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.