Gujarat

સરદાર પટેલ સ્પોટર્સ એન્કલેવના ડેવલપમેન્ટ માટે ૧૬૦૦ મી.મી.વ્યાસની પાણીની લાઈન શિફટ કરવા ૩૦ કરોડ ખર્ચાશે

By GS TEAM
23 Jan 20262 mins read
સરદાર પટેલ સ્પોટર્સ એન્કલેવના ડેવલપમેન્ટ માટે ૧૬૦૦ મી.મી.વ્યાસની પાણીની લાઈન શિફટ કરવા ૩૦ કરોડ ખર્ચાશે

અમદાવાદ,શુક્રવાર,23 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી સમિતિની શુક્રવારે મળી હતી. બેઠકમાં વર્ષ-૨૦૩૬ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને સરદાર પટેલ સ્પોટર્સ એન્કલેવના ડેવલપમેન્ટ માટે એન્કલેવની વચ્ચેથી પસાર થતી હયાત લાઈનને એન્કલેવની બહાર શિફટ કરવા રુપિયા ૩૦.૬૮ કરોડના ખર્ચની દરખાસ્ત મંજુર કરાઈ હતી. કેન્ટોનમેન્ટથી સાબરમતી નદી ક્રોસ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી વર્ષ-૧૯૮૬માં ૧૬૦૦ મી.મી. વ્યાસની લાઈન નંખાઈ હોવાનો તંત્રે દાવો કર્યો છે.પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાએ કહ્યુ, આ લાઈન શિફટ કરવા ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ રાજય સરકારને મોકલાશે. રાજય સરકાર લાઈન શિફટ કરવાનો તમામ ખર્ચ આપશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૩૬ના ઓલિમ્પિકને ધ્યાનમા લઈ અત્યારથી વિવિધ આયોજન કરાઈ રહયા છે.અમદાવાદ અને ગાંધીનગર વર્ષ-૨૦૨૬ના ઓલિમ્પિકની સંયુકત યજમાની કરે એવી પણ પ્રબળ સંભાવના વ્યકત કરાઈ રહી છે.અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આવેલી ૬૫૦ એકર જમીનમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ તૈયાર કરવાનુ આયોજન કરાયુ છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આવેલા ભારતીય સેવા સમાજ ઉપરાંત સદાશીવ પ્રજ્ઞા મંડલ ઉપરાંત આશારામ આશ્રમની જમીનો પણ માસ્ટર પ્લાનમાં સમાવી લેવામા આવી છે.હવે આ ત્રણેય સંસ્થાઓની જમીન મેળવવાની કવાયત શરૃ કરવામા આવી છે.

પાણી સમિતિમાં મંજુર કરાયેલી દરખાસ્ત મુજબ, વર્ષ-૧૯૮૬માં આર્મી કેન્ટોન્મેન્ટથી સાબરમતી નદી ક્રોસ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી પશ્ચિમ બાજુ તરફ જતી ૧૬૦૦ મી.મી.વ્યાસની પાઈપલાઈન આવેલી છે.જે તે સમયે ટી.પી.સ્કીમ અમલમાં ના હોવાથી ખાનગી જગ્યામાં નાંખવામાં આવી હતી.હાલમા આ જગ્યાએ ટી.પી.સ્કીમ નંબર-૬૭નો ડ્રાફટ બનાવવામા આવ્યો છે.જેથી ટી.પી.સ્કીમ મુજબ  ૧૬૦૦ મી.મી.વ્યાસની લાઈન નોન ટી.પી.વિસ્તારમાંથી પસાર થાય છે.જેને શીફટ કરવા કોન્ટ્રાકટર રણજિત બિલ્ડકોન લિમિટેડને રૃપિયા ૩૦.૬૮ કરોડના ખર્ચવાળુ ટેન્ડર પાણી સમિતિ દ્વારા મંજુર કરાયુ છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી નદી ઉપર બરાજ કમ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેથી સંકલન કરી બરાજની ડાઉન સ્ટ્રીમમા નવી લાઈન નાંખવાનુ આયોજન છે.બરાજની કામગીરીની સાથે નદી ક્રોસ પાઈપ લાઈન નાંખવાની કામગીરી કરી શકાય.લાઈન નાંખવા નદીમા માટીના પાળા બનાવવા અલગથી ખર્ચ કરવો ના પડે.