ચૂંટણી જાહેર થતા જ સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ
શહેર પ્રમુખની પણ નિમણૂક કરી દેવાઈ : સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને સોંપાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતા જ વિવિધ પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મહાનગરો, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાના હેતુથી વિવિધ પાર્ટીઓ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. જેથી ટિકિટ મેળવવા ઈચ્છતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને દોડધામ જોવા મળી રહી છે. ત્યારે ભાજપ પ્રદેશ મોવડીમંડળના ત્રણ નિરીક્ષકો બીજી એપ્રિલ સવારથી ગોકુલધામ ખાતે પહોંચ્યા હતા અને એક પછી એક વોર્ડ મુજબ કાર્યકરો તથા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તારાપુર હવે નગરપાલિકા બનતા, નગરસેવક બનવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ટિકિટ વાંછુકો પોતપોતાના બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચ્યા હતા. યુવા ચહેરાઓથી લઈને મહિલાઓ અને અનેક અગ્રણીઓએ પોતાની કે પોતાના પરિજનોની દાવેદારી નોંધાવી છે. નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલી આ સેન્સ પ્રક્રિયાનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને સોંપવામાં આવશે.


