Vadodara : સંસ્કારી નગરીને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના ભાગરૂપે પોલીસ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશમાં આજે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ફતેગંજ વિસ્તારમાં સતત કાઉન્સિલિંગ અને ચેતવણી છતાં બે વર્ષની બાળકી પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી મહિલા સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ટાસ્ક ફોર્સનો સપાટો: બાળકોને પકડવા જતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC), એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), જિલ્લા બાળ સુરક્ષા એકમ અને વડોદરા પોલીસની 'શી ટીમ' દ્વારા સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. આજે ફતેગંજ સર્કલ પાસે જ્યારે ટાસ્ક ફોર્સે વોચ ગોઠવી હતી, ત્યારે એક મહિલાના ઈશારે ભીખ માંગી રહેલા બાળકો વાહનો વચ્ચેથી ભાગી છૂટ્યા હતા. બાળકોને ઈજા ન થાય તે હેતુથી પોલીસે તેમનો પીછો કરવાનું ટાળ્યું હતું.
ત્રણ વખત કાઉન્સિલિંગ છતાં ન સુધરી મહિલા
આ કાર્યવાહી દરમિયાન બાજવા વિસ્તારની કેસરીબેન નામની મહિલા પોતાની બે વર્ષની બાળકી સાથે ભીખ માંગતા પકડાઈ ગઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, આ મહિલાનું અગાઉ ત્રણ વખત કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. ચોથી વખત તેની અટકાયત પણ થઈ હતી, પરંતુ 'હવે ભીખ નહીં મંગાવું' તેવી ખાતરી આપતા તેને છોડી દેવામાં આવી હતી. પરંતુ વારંવાર નિયમોનું ઉલ્લંઘન થતા અંતે પોલીસે કડક વલણ અપનાવી તેની સામે ગુનો નોંધ્યો છે.
40 દિવસથી ચાલી રહી છે ઝુંબેશ
છેલ્લા 40 દિવસથી વડોદરાના વિવિધ ટ્રાફિક સિગ્નલો પર આ ઝુંબેશ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 60 જેટલા બાળકોના વાલીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. તંત્રનો ઉદ્દેશ્ય બાળકોના હાથમાં વાટકો નહીં પણ પુસ્તક હોય તે દિશામાં કામ કરવાનો છે.


