એક હૃદયનું દાન બીજા હૃદયના ધબકારા બની શકે છે
પાલિતાણાના વાળુકડ (પા)પી.એચ.સી.ની આર.બી.એસ.કે.ની ટીમની સંતર્કતાથી
બાળકને નવજીવન મળ્યું
ભાવનગર - પાલિતાણા તાલુકાના
વાળુકડ (પા) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આર.બી.એસ.કે. ટીમની સંતર્કતાથી સ્થાનિક એક
માસુમ બાળકને નવજીવન મળ્યુ. સમગ્ર ગુજરાત રાજયમાં સ્થાનિક ટીમ દ્વારા શોધાયેલ
કેસમાં સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો પ્રથમ નોંધપાત્ર કિસ્સો નોંધાયો છે.
વર્ષ ૨૦૨૩ માં પાલિતાણા તાલુકાના ચોંડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ૧૩
વર્ષીય ભવ્ય સંજયભાઇ ચૌહાણની શાળા આરોગ્ય તપાસ દરમિયાન વાળુકડ પી.એચ.સી.ની ટીમને
તેના હૃદયના ધબકારા અસામાન્ય જણાતા વધુ તપાસ માટે તેને ભાવનગરની સર ટી.
હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જયાં તપાસ દરમિયાન તેના હૃદયની પમ્પીંગની ક્ષમતા
અત્યંત ઓછી હોવાનુ જાણવા મળતા તેને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડાયો હતો. જયાં તબીબોએ ડાયલેેટેડ કાર્ડિયોગ્રાફી જેવી ગંભીર બીમારીનું નિદાન કરતા સ્થિતિ ગંભીર બનતા તબીબોએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
જ એકમાત્ર વિકલ્પ હોવાનું જણાવ્યુ હતુ. દરમિયાન અમદાવાદમાં બ્રેઈન ડેડ જાહેર
કરાયેલા એક વ્યકિતના પરિવારજનોએ માનવતાનું અનોખુ ઉદાહરણ પુરુ પાડી અંગદાનનો નિર્ણય
લેતા દાતા અને ભવ્યનું હૃદય મેચ થતા યુ.એન.મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ ગત
સપ્તાહમાં સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી લાંબી સારવાર અને દેખરેખ
બાદ તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. વાળુકડ પી.એચ.સી.ના એમ.ઓ. ડો.એચ.કે.ચૌહાણ, હેલ્થ
સુપરવાઈઝર મુકેશભાઈ ખોડીફાડ અને ટીમના ડો.પિયુષભાઈ ડાંખરા અને ડો.રિધ્ધિબેન જાદવની
સમયસરની કામગીરીથી એક માસુમ બાળકને નવજીવન મળ્યુ હતુ.


