વાંકાનેરના જામસર ગામે નીરણમાં લાગેલી આગ ઓલવવા જતા બનાવ
મોરબીના ડિવાઇન પાર્કમાં વૃધ્ધાનો, ચામુંડા નગરમાં પ્રૌઢનો ગળાફાંસો, લક્ષ્મીનગર ગામે યુવાનનો આપઘાત
જામસર ગામે રહેતા વાઘજીભાઇ શીવાભાઇ દેલવાડીયા અને તેમનો ૨૪ વર્ષીય પુત્ર જયદેવભાઈ પોતાની વાડીએ હાજર હતા તે દરમિયાન વાડીમાં પડેલી નીરણ (ઘાસચારો) સળગતી હોવાનું જણાતા પિતા-પુત્ર તેને ઓલવવા માટે દોડી ગયા હતા. આ સમયે વાડીમાંથી પસાર થતી પીજીવીસીએલની થ્રી-ફેઝ લાઇનનો એક જીવંત તાર તૂટીને નીચે પડયો હતો, જેના પર વાઘજીભાઇનો પગ આવી જતાં તેમને જોરદાર વીજ શોક લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પિતાને બચાવવા જતાં પુત્ર જયદેવભાઈને પણ વીજ કરંટ લાગતા તે બેભાન થઈ ગયા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મોરબીના ડીવાઇન પાર્ક સત્ય બી એપાર્ટમેન્ટ ૩૦૧માં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધા સવિતાબેન છગનભાઈ પાંચોટીયાએ પોતાના એપાર્ટમેન્ટના ધાબાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી, જ્યારે મોરબીના સો ઓરડી ચામુંડાનગર શેરી નં.૧માં રહેતા ગૌતમભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.વ. ૫૫)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. લક્ષ્મીનગર ગામ ખાતે રહેતા મહેશભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૩૦)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્રણેય બનાવમાં કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


