ફરાર થયેલી મીરા દવેનો હજી પત્તો નથી ત્યારે
પુત્ર ઓરીજનલના આધારે બનાવટી લેટર તૈયાર કરતો તો પિતા સરકારમાંથી નિવૃત્ત હોવાથી કામ સાચું હોવાનું કહેતા
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩માં રહેતા દંપતી દ્વારા ટેન્ડરના નામે વેપારીઓ પાસેથી કરોડો રૃપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હતા ત્યારે આ કૌભાંડમાં પરિવારના અન્ય બે સભ્યોની પણ ગઈકાલે ઈન્ફોસીટી પોલીસ દ્વારા ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
ગાંધીનગરના સેક્ટર ૨૩માં પ્રાણકુંજ સોસાયટીમાં રહેતા અને
ઈન્ફોસિટી સુપર મોલમાં ઓમ એન્ટરપ્રાઇઝ ચલાવતા નિવૃત નાયબ સચિવના પુત્ર નીરવ દવે
અને તેની પત્ની મીરા દવેએ ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો
રૃપિયાના ટેન્ડર લાગ્યા હોવાના નકલી દસ્તાવેજ બનાવીને ગાંધીનગર ઉપરાંત રાજ્યના અલગ
અલગ વિસ્તારના વેપારીઓ સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી આચરી હતી. આ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને
અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર
બતાવી કરોડોનું ફુલેકું ફેરવામાં આવતા અલગ અલગ ત્રણ ગુના ઇન્ફોસિટી પોલીસમા દાખલ
થયા હતા અને તેના આધારે નિરવ દવેને પોલીસે ઝડપી લીધો હતો. જે હાલ સાબરમતી જેલમાં
છે ત્યારે તેની પત્ની મીરા દવેની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
હાઇકોર્ટમાંથી પણ તેના આગોતરા જામીન નામંજૂર થયા હતા ત્યારે આ ગુનાની તપાસ દરમિયાન
ઇન્ફોસિટી પોલીસને જાણવા મળ્યું હતું કે,
નીરવ દવેનો પુત્ર યજત દવે પણ કૌભાંડમાં સામેલ હતો તે ઓરિજિનલ ડોક્યુમેન્ટના
આધારે ટેન્ડરના નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરી આપતો હતો જ્યારે તેના પિતા મહેન્દ્ર
દવે પણ સરકારમાંથી નાયબ સચિવ તરીકે નિવૃત્ત થયા હોવાથી ભોગ બનનારને કામ થઈ જશે
તેવું આશ્વાસન આપતા હતા. ગઈકાલે આ બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
હતા જેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.


