વડોદરાઃ સુરક્ષિત ગણાતા સરકારી વિભાગમાં જ રક્ષક ભક્ષક બની રહ્યા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.એસઓજીના એએસઆઇનું ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યા બાદ હવે પશ્રિમ વિભાગના ફતેગંજ ખાતેની ઓફિસના આસિસ્ટન્ટ રાહુલ વર્માએ નાની બચતના એક જ પરિવારના ખાતાઓમાંથી રૃ.૧૦.૧૭ લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનો બનાવ બનતાં ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.
પોસ્ટ વિભાગના સેન્ટ્રલ સબ ડિવિઝન ફર્ટિલાઝરનગર ખાતે ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ ઓફિસ તરીકે ફરજ બજાવતા નીતિન પરમારે પોલીસને કહ્યું છે કે,વડોદરાના પશ્રિમ વભાગ એસએસપીઓ ખાતે ઓફિસ આસિ.(કસ્ટમર કેર એન્ડ આરટીઆઇ) તરીકે ફરજ બજાવતા રાહુલ સુનિલકુમાર વર્મા(શ્રીજી ટેનામેન્ટ, સીકે પ્રજાપતિ સ્કૂલ પાછળ,ગોરવા મૂળ ગંગામહલ,ગયા,બિહાર)ેએ મન્થલી ઇન્કમ સ્કીમ(એમઆઇએસ)ના રણોલી પોસ્ટના ગ્રાહક ભાવનાબેન દિલીપભાઇ પટેલ,તેમના પુત્ર હાર્દિક અને પતિ દિલીપભાઇના સેવિંગ્સ એકાઉન્ટમાં ચેડાં કર્યા હતા.
આ માટે રાહુલ વર્માએ રણોલીના પોસ્ટ માસ્તર ધર્મેશ રબારીને એક ગંભીર તપાસ આવી છે તેમ કહી ભયભીત કરી કસ્ટમર બેન્કિંગ સર્વિસના સોફ્ટવેરના આઇડી અને પાસવર્ડ માંગ્યા હતા.તેણે આ સોફ્ટવેર હોય તેવા કોમ્પ્યુટરમાં ચેડાં કરી રણોલીના ઉપરોક્ત ખાતામાંથી મોબાઇલ નંબર અને ઇમેલ સહિતની વિગતો બદલી નાંખી હતી.
ત્યારબાદ રાહુલે પોસ્ટલ નેટબેન્કિંગ દ્વારા સાળા અભિજિત અને સાળી વર્ષા કુમારીના બેન્ક એકાઉન્ટમાં રકમો ટ્રાન્સફર કરી હતી. ગ્રાહકને ટ્રાન્જેક્શનની જાણ થતાં તેણે પોસ્ટમાં તપાસ કરાવતાં કૌભાંડ બહાર આવ્યું હતું અને પોલીસને જાણ કરાઇ હતી.
રાહુલે બીજા પણ એકાઉન્ટ લિન્ક કર્યાની આશંકા,સસ્પેન્ડ કરાયો
રાહુલે બીજા પણ ગ્રાહકના એકાઉન્ટ લિન્ક કર્યા હોવાની દહેશત સેવાઇ રહી છે,જેથી તે પકડાય પછી વધુ વિગતો ખૂલશે.
રાહુલ વર્માએ ખૂબ જ સાવચેતી પૂર્વક ઓનલાઇન ફ્રોડ કરી બેન્કના ગ્રાહકના ખાતા ખાલી કરી દીધા હતા.તેણે એમઆઇએસના એકાઉન્ટને તેની મુદત પહેલાં જ ક્લોઝ કરાવી દેતાં મૂળ ખાતેદારને મેસેજ પહોંચ્યો અને તેણે રણોલી પોસ્ટમાં જઇ તપાસ કરાવતાં ભાંડો ફૂટયો હતો.જેથી રાહુલને તરત જ સસ્પેન્ડ કરાયો હતો.
પ્રાથમિક તબક્કે રાહુલે બીજા પણ ગ્રાહકોના એકાઉન્ટ લિન્ક કર્યા હોવાની દહેશત સેવાઇ રહી છે.જેથી પોસ્ટ વિભાગ તેની તપાસ કરી રહ્યું છે.આ ઉપરાંત પોલીસ પણ તેનું મોં ખોલાવી કૌભાંડમાં બીજા કોઇ સામેલ છે કે કેમ તેની વિગતો કઢાવશે.આ ઉપરાંત તેણે અગાઉ જ્યાં ફરજ બજાવી હતી ત્યાં પણ તપાસ કરવામાં આવનાર છે.
ફ્રોડની તપાસકરતી ઓફિસના કોમ્પ્યુટર નો જ ઉપયોગ કર્યો
ભેજાબાજ રાહુલ વર્માએ ગ્રાહકોના પોસ્ટના ખાતા ખાલી કરવા માટે ફ્રોડ ની તપાસ કરતી ઓફિસના જ કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હતો.આ માટે તે સવારે ઓફિસ ખૂલે ત્યારે જ આવી જતો હતો અને મોડી સાંજે તમામ કર્મચારીઓ જાય ત્યારબાદ કોમ્પ્યુટર ખોલી કાંડ કરતો હતો.


