Get The App

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી 1 - image

Farmers Face Hurdles For Fertilizer In Naswadi: રાજ્યમાં ચોમાસા અને ખેતીની સીઝન શરૂ થતાં જ ખેડૂતો માટે ફરી એકવાર ખાતરની અછત અને હાલાકીના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલા ગુજકોમાસોલ ખાતરના ડેપો ઉપર ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડેપો પર વહીવટી પ્રક્રિયાના નામે ખેડૂતો પાસે વિવિધ દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા અને ખાતર સાથે અન્ય પ્રોડક્ટ્સ ફરજિયાત પધરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

માત્ર 5 થેલી ખાતર માટે સવારથી લાઈનો, અન્ય પ્રોડક્ટ્સ લેવા કરાતું દબાણ

ખેડૂતોના જણાવ્યાનુસાર, અત્યારે ખેતીની સીઝનની શરૂઆત થઈ રહી છે અને ખાતર વગર પાક લેવો અશક્ય છે. આવી સ્થિતિમાં માત્ર 5 થેલી ખાતર મેળવવા માટે ગરીબ આદિવાસી ખેડૂતો વહેલી સવારથી જ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આટલું જ નહીં, ખેડૂતોનો આરોપ છે કે 5 થેલી ખાતર આપવાની સાથે ડેપો દ્વારા કમ્પ્લીટ લિંક અથવા અન્ય પ્રોડક્ટ્સ પણ પરાણે આપવામાં આવી રહી છે, જેને કારણે ખેડૂતો પર આર્થિક બોજ વધી રહ્યો છે.

'બીજા તાલુકાના છો' કહી ખાતર આપવાનો ઇનકાર કરાતો હોવાનો આક્ષેપ

આસપાસના અન્ય તાલુકામાંથી પણ અનેક ખેડૂતો નસવાડી ડેપો પર ખાતર ખરીદવા આવી રહ્યા છે, પરંતુ તેમને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. ડેપોના સંચાલકો દ્વારા ખેડૂતો પાસે જમીનની નકલ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો માંગવામાં આવે છે અને જો ખેડૂત અન્ય તાલુકાનો હોય તો તેને ખાતર આપવાની સાફ ના પાડી દેવામાં આવે છે.

ડેપો પર આવેલા પીડિત ખેડૂત પ્રતાપભાઈ ભીલે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, 'અમે નસવાડી ખાતર લેવા આવ્યા છીએ. અમારી પાસે જમીનની નકલ અને આધાર કાર્ડ માંગે છે. અમે બીજા તાલુકાના છીએ એવું કહીને અમને ખાતર આપવાની ના પાડે છે. અમારો તાલુકો બોડેલી છે, પણ જિલ્લો તો છોટા ઉદેપુર એક જ છે ને? જિલ્લામાં અમારું ગામડું તો આવતું જ હશે ને? ગમે ત્યાંથી ખાતર લઈ શકાય એવો નિયમ હોવા છતાં આ લોકો ના પાડે છે કે બીજા તાલુકાવાળાને ખાતર નહીં મળે. હવે ખેતીની તૈયારીઓ ચાલે છે, ખાતર વગર કશું પાકવાનું નથી, તો ખાતર ન મળે તો ગરીબ ખેડૂત જાય ક્યાં?'

સીઝનની શરૂઆતમાં જ તંત્રની પોલ ખૂલી

દર વર્ષની જેમ આ વર્ષે પણ સીઝનની શરૂઆતમાં જ ખાતર માટે ખેડૂતોને કકળાટ કરવો પડી રહ્યો છે. એક જ જિલ્લાના હોવા છતાં તાલુકાના ભેદભાવ રાખીને ખેડૂતોને પરેશાન કરવામાં આવતા વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ નિયમોમાં સરળીકરણ કરવામાં આવે અને બળજબરીપૂર્વક અન્ય પ્રોડક્ટ્સ પધરાવવાનું બંધ કરીને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે.