હાલ વાવણીની સિઝન પૂર્વે એસઓજીનો સપાટો : ગુરૂકૃપા કૃષિ કેન્દ્રમાં વેપારી પિતા-પુત્ર પાસેથી 135 બોરી ખાતરનો જથ્થો સીઝ, લેબલ વગરની જંતુનાશક દવાઓ પણ ઝડપાઈ
જામ ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી એસ.ઓ.જી. પોલીસે શંકાસ્પદ અને એક્સપાયરી ડેટ વાળા કૃષિ સામગ્રીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આગામી વાવણીની સીઝન પૂર્વે ખેડૂતો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે પોલીસે રાવલ ગામના ગુરૂકૃપા કૃષિ કેન્દ્ર પર દરોડો પાડી પિતા-પુત્રની ધરપકડ કરી છે અને રૂ. ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એસ.ઓ.જી. પોલીસના ચેકિંગ દરમિયાન દુકાનમાંથી અંદાજે રૂ. 3.89 લાખની કિંમતની 50 જેટલી જુદી જુદી દવાઓ, ખાતર અને બિયારણનો જથ્થો મળી આવ્યો હતો, જેની સમયમર્યાદા (એક્સપાયરી ડેઈટ) પૂર્ણ થઈ ચૂકી હતી. આ ઉપરાંત, દુકાનમાંથી કોઈ પણ પ્રકારની વિગત કે લેબલ વગરની 32 શંકાસ્પદ રાસાયણિક દવાની બોટલો પણ મળી આવી હતી. આ બોટલો પર ટેકનિકલ નામ, ઉપયોગની રીત કે પાક અંગેની કોઈ માહિતી ન હોવાથી પોલીસે રૂ. 11,620 ની આ બોટલો શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરી છે. આ સ્થળ પર ખેતીવાડી અધિકારીને સાથે રાખીને કરાયેલી તપાસમાં ખાતરના સ્ટોક રજિસ્ટર અને વાસ્તવિક જથ્થામાં મોટો તફાવત જોવા મળ્યો હતો. દુકાનદાર આ અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા રૂ. ૧.૨૮ લાખની કિંમતની ખાતરની ૧૩૫ બોરીઓનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ પોલીસે દુકાનદાર માલદે ઠેબાભાઈ ઓડેદરા (ઉ.વ. 46) અને તેમના પુત્ર દિનેશ માલદે ઓડેદરા (ઉ.વ. 24) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવણી ટાણે જ ખેડૂતોના આથક અને પાકના નુકસાનનું મોટું કૌભાંડ પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


