Gujarat

મ્યુનિ.તંત્રની દાખલારુપ કામગીરી ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને એક લાખનો દંડ

By GS TEAM
8 Apr 20261 min read
મ્યુનિ.તંત્રની દાખલારુપ કામગીરી  ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને એક લાખનો દંડ

  અમદાવાદ,બુધવાર,8 એપ્રિલ,2026

અમદાવાદના ગોતા વોર્ડમાં આઠ મહિના પહેલા બનાવવામા આવેલા રોડ ઉપર ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદી રસ્તાને નુકસાન પહોંચાડનારા બજરંગ ટી સ્ટોલ નામના ધારક પાસેથી રુપિયા એક લાખનો દંડ વસૂલ કરવામા આવ્યો છે.આ ટી સ્ટોલ ધારકે રોડ ઉપર ખાડો ખોદવાની સાથે ચાના કૂચા નાંખી ગંદકી પણ કરી હતી.

શહેરના વિવિધ વોર્ડમા આવેલા જાહેર રસ્તાઓ ઉપર ગંદકી કરનારા સામે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારા સામે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી કાર્યવાહી કરવામા આવે છે. ગોતા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રેયકુમાર સોનીએ કહયુ,ગોતા વોર્ડમાં આઠ મહિના અગાઉ વસંતનગર ટાઉનશીપ સુધીનો ડીફેકટ લાયબીલીટી પિરીયડ સાથેનો રોડ બનાવાયેલો છે. આ રોડ ઉપર મ્યુનિ.ટીમે રાઉન્ડ લેતા ટી સ્ટોલ ધારકે ગેરકાયદેસર ખાડો ખોદી ડ્રેનેજ જોડાણ માટે પ્રયાસ કર્યો હોવાનુ પ્રાથમિક તારણ જોવા મળ્યુ હતુ.વધુ રકમનો દંડ તો કરી ના શકાય પરંતુ દાખલારુપ એવા આ કેસમાં એક લાખનો દંડ વસૂલ કરાયો છે.જેથી અન્ય વિસ્તારમાં આ પ્રકારે પ્રવૃત્તિ થતી હોય તો અટકી શકે.