Gujarat

સરકારી ચોપડે ચોમાસું બેસ્યું છતાં રોડ અને ગટર માટે ખોદકામ ચાલુ

By GS Team
19 Jul 20202 mins read
This article was originally published on 19 Jul 2020
સરકારી ચોપડે ચોમાસું બેસ્યું છતાં રોડ અને ગટર માટે ખોદકામ ચાલુ

ગાંધીનગર, તા. 19 જુલાઇ 2020, રવિવાર

સરકારી ચોપડે સત્તાવાર રીતે તા.૧પ જુનથી ચોમાસું બેસી જતું હોય છે અને આ સમય દરમ્યાન ત્રણ મહિના સુધી ખોદકામની પ્રવૃતિ ઉપર પ્રતિબંધ લાગી જતો હોય છે ત્યારે ગાંધીનગરમાં જાણે સરકારના આ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. શહેરના સે-પ સહિતના ગણા સેકટરોમાં ગટર માટે ખોદકામ ચાલુ છે તો રોડ નં.૬ને પહોળો કરવાની પ્રવૃતિ પણ ચાલુ રાખવામાં આવી છે. વરસાદમાં કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે..?   

ચાલુ વર્ષે ચોમાસું સમયસર શરૂ થઈ ગયું છે અને સમગ્ર રાજયમાં ધીમીધારે વરસાદ પડી રહયો છે તો સરકારી ચોપડે તા.૧પ જુનથી સત્તાવાર રીતે ચોમાસું બેસી જતું હોય છે અને આ સમય બાદ નવા કોઈ પણ ખોદકામ ઉપર પ્રતિબંધ મુકવામાં આવતો હોય છે. એટલું જ નહીં ચાલુ કામો પણ તા.૧પ જુન પહેલા પૂર્ણ કરવાના હોય છે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની ખોદકામ પ્રવૃતિ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતો હોય છે પરંતુ રાજયના પાટનગર ગાંધીનગરમાં જ જાણે કે સરકારના આદેશનું પાલન કરવામાં આવતું નથી. ગાંધીનગરમાં હાલ સે-પમાં ગટરનું ખોદકામ ચાલી રહયું છે એટલું જ નહીં રોડ નં.૬ને પહોળો કરવાની કામગીરીમાં પણ ખોદકામ થઈ રહયું છે તો શહેરના ખ-માર્ગ ઉપર બેસી ગયેલી ગટરોનું સમારકામ ચાલી રહયું છે. શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે આ ખાડાઓમાં પાણી ભરાવાથી અકસ્માત થવાની શકયતા પણ સેવાઈ રહી છે ત્યારે કોઈ અકસ્માત સર્જાશે ત્યારે કોઈ તંત્ર જવાબદારી સ્વીકારશે નહીં. ત્યારે આ ખોદકામ પ્રવૃતિ બંધ કરીને સરકારના નિયમોનું પાલન થવું જોઈએ તેવી માંગણી વસાહતીઓ કરી રહયા છે. નોંધવું રહેશે કે શહેરના ઘણાા સેકટરોમાં વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈનના ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થવાથી ભુવા પડવાની સ્થિતિ સર્જાઈ છે અને સે-૧૩ પાસે તો આ ભુવામાં કાર પણ ખાબકી હતી.