એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી

અમદાવાદ, ગુરુવાર
શાહીબાગમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં મિલ્કતની નોંધણી કરાવવા માટે સરકારના નિયમોને નેવે મૂકી બોગસ દસ્તાવેજો રજૂ કરાતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખાસ કરીને નરોડા હંસપુરા વિસ્તાર અશાંતધારામાં આવતો જ નથી તેમ છતા મિલકત માટે અશાંતધારાની ખોટી અને ફેબ્રિકેટેડ પરમિશન બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સબ રજીસ્ટ્રારે દસ્તાવેજ તૈયાર કરનાર એલ.એલ.બીના વિદ્યાર્થી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નરોડામાં અશાંત ધોરો લાગુ ન હોવાથી શંકા ગઇ ક્યુંઆર કોડ સ્ક્રેન કરતા ડેટા ન મળતા ભાંડો ફૂટયો
શાહીબાગ પોલીસ સ્ટેશનનના પીઆઇ,જે.એચ.સિંધવના જણાવ્યા મુજબ આ મિલકતમાં સરકારનું અશાંતધારાનું જાહેરનામું અમલી ન હોવા છતાં દસ્તાવેજ સાથે સીટી ડેપ્યુટી કલેક્ટર (ઈસ્ટ)ની કથિત મંજૂરીનો પત્ર જોડવામાં આવ્યો હતો. તત્કાલીન સબ રજીસ્ટ્રાર આશિષકુમારે આ પરમિશનના લખાણ ઉપર શંકા જતાં તેમણે પત્ર પર રહેલો ક્યુઆર કોડ સ્કેન કર્યો હતો. સ્કેનિંગ કરતા કોઈ જ ડેટા મળી આવ્યા ન હતા. જેથી રજુ કરેલા પત્ર ફેબ્રિકેટેડ સાબિત થયો હતો. આરોપીએ દસ્તાવેજ તૈયાર કરવા માટે રૃા. ૧.૫૭ લાખ ઓનલાઈન મેળવ્યા હતા.









