Get The App

આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા

એલિસબ્રીજ પાસે ઓફિસ શરૂ કરીને અનેક લોકો છેતર્યા

જ્વેલર્સને ખાનગી ફાઇનાન્સ કંપનીઓમાંથી અગાઉ લોન અપાવીને વિશ્વાસ કેળવ્યા બાદ છેતરપિંડી આચરી હતી

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા 1 - image

અમદાવાદ,શુક્રવાર

એલિસબ્રીજ પાસેના કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સની ઓફિસ શરૂ કરીને ખાનગી અને સરકારી બેંકોમાંથી લોન મંજૂર કરાવવાનું કહીને બે ગઠિયાઓએ અનેક લોકો સાથે મોટાપ્રમાણમાં છેતરપિંડી આચરી હતી. જે અનુસંધાનમાં જ્વેલર્સને આઠ કરોડની લોન અપાવવાનું કહીને ૬૨ લાખ જેટલી રકમ અલગ અલગ ફીના નામે મેળવીને નાણાં પડાવ્યાની વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.

આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા 2 - imageગોતામાં રહેતા  મિહિરભાઇ સોની રતનપોળમાં  જ્વેલરીનો વ્યવસાય કરે છે. બે વર્ષ પહેલા તેમનો પરિચય કલ્પેશ ઝાલા નામની વ્યક્તિ સાથે થયો હતો. તેણે જણાવ્યું હતું કે એલિસબ્રીજ પાસે રંગોલી કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવીને લોનનું કામ કરે છે. તુષાર ઠક્કર નામના વ્યક્તિ તેમનો પાર્ટનર છે. મિહિરભાઇને ધંધાના કામ માટે તાત્કાલિક ચાર કરોડની લોનની જરૂર હોવાથી કલ્પેશને વાત કરી હતી. તેણે ચાર કરોડની પણ આઠ કરોડની લોન અપાવવા ખાતરી આપી હતી. તેના બદલામાં સાત થી આઠ ટકા કમિશનની રકમ અને ફી એડવાન્સમાં માંગી હતી. ત્યારબાદ અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓમાંથી ૬૦ લાખ સુધીની લોન અપાવી હતી. જેથી વિશ્વાસ આવતા મિહિરભાઇએ  કર્ણાટક બેંક, તમીલ બેંક અને યુનિયન બેકમાંથી લોન મંજૂર કરાવી આપવાના બદલામાં તુષાર અને કલ્પેશને ૬૨ લાખ રૂપિયા આપ્યા હતા અને જરૂરી દસ્તાવેજોની ફાઇલ આપી હતી. પરંતુ, ત્યારબાદ કલ્પેશ અને તુષારે ખોટા ખોટા વાયદા કર્યા હતા.  આ દરમિયાન મિહિરભાઇને જાણવા મળ્યું હતું કે લોનના નામે બંને જણાએ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લઇને છેતરપિંડી આચરી હતી. આ અંગે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.