Get The App

જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલાઓમાંથી વીજ ચોરી પકડાઈ

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલાઓમાંથી વીજ ચોરી પકડાઈ 1 - image

- થાનગઢમાં પોલીસ અને પીજીવીસીએલનું મેગા ઓપરેશન

- મીટર વગર સીધું જોડાણ લઇ એસી અને વૈભવી સુવિધાઓ વચ્ચે વીજળીની ખુલ્લેઆમ ચોરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા વીજ લોસને ડામવા માટે પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં વીજ લોસનું પ્રમાણ ૨૫ ટકાને પાર કરી જતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થાનગઢના જામવાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ખાસ કરીને સેન્સિટિવ વિસ્તારો અને જ્યાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ વધુ હોય તેવા સ્થળોને નિશાન બનાવીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન થાનગઢના જામવાડી વિસ્તારમાં રહેતા નામચીન ભૂ-માફિયા વિઠ્ઠલ જાગા અલગોતર સહિતના ખનીજ માફિયાઓ પોતાના આલીશાન બંગલાઓમાં કોઈપણ પ્રકારના વીજ મીટર વગર જ વીજળી વાપરતા હતા. 

આ માફિયાઓ સીધા થાંભલા પરથી લંગર નાખીને એસી અને અન્ય મોંઘા વીજ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા હતા. તપાસમાં ગેરકાયદેસર કનેક્શન મળી આવતા તંત્ર દ્વારા તોતિંગ દંડ ફટકારવાની અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી, એલસીબી અને એસઓજી  સહિત ૫૦થી વધુ કર્મચારીઓના કાફલાએ આ ઓપરેશનમાં જોડાયા હતા. જોકે, ભૂમાફિયા સામે કડક કાર્યવાહી થતાં અન્ય ગુનેગારોએ વીજ થાંભલા પર ચડીને ગેરકાયદે કનેક્શન (લંગરીયા) કાઢવા લાગ્યા હતા.