Vadodara : ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જતા હોય છે ત્યારે તેઓને સ્થાનિક રહીશો દ્વારા પાણી મુદ્દે ઉગ્ર બોલાચાલી થતી હોય છે જેને ધ્યાનમાં રાખી ભાજપના આગેવાનોએ કોર્પોરેશનના તંત્રને વિવિધ વિસ્તારોમાં પૂરતું પાણી આપવા અંગે રજૂઆત કરતા કોર્પોરેશનને પાણીનો વધુ જથ્થો વિતરણ કરવાની કામગીરી શરૂ કરી છે.
ચૂંટણીના દિવસો નજીક આવતા શહેરમાં વિવિધ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે, ત્યારે પાલિકા દ્વારા પાણીના વિતરણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે! સામાન્ય દિવસોની સરખામણીમાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો જથ્થો વધારવામાં આવ્યો હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને પાણીની અછત અનુભવનારા વિસ્તારોમાં સામાન્ય દિવસો કરતા વધુ પાણી મળતા લોકોમાં આશ્ચર્ય સાથે ચર્ચાનો માહોલ સર્જાયો છે.
આ પરિસ્થિતિને લઈને નાગરિકો અને મતદારોમાં તરહ તરહની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો આ પગલાને ચૂંટણીલક્ષી ગણાવી રહ્યા છે. જોકે, ઘણા નાગરિકો એ પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો પૂરતું પાણી હવે ઉપલબ્ધ છે, તેમના મતે, ચૂંટણીના સમયગાળા દરમિયાન લોકોની સહાનુભૂતિ મેળવવા માટે જ આવી સેવાઓમાં અચાનક સુધારો કરવામાં આવે છે. તો પછી વર્ષ ભર પાણીની તંગી કેમ રહેતી હતી?
સૌથી મહત્વની બાબત તો એ છે કે, વિપક્ષ પક્ષો દ્વારા પણ આ મુદ્દે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા નથી. બીજી તરફ, પાલિકા તંત્રના અધિકારીઓનું કહેવું છે કે, પાણીનું વિતરણ વધારવામાં આવ્યું નથી અને તેનો ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. સમગ્ર મામલે શહેરમાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે. નાગરિકો હવે આ બાબતને ગંભીરતાથી જોતા થયા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે પાણી જેવી મૂળભૂત સુવિધા માત્ર ચૂંટણી સમયગાળામાં નહીં પરંતુ વર્ષ ભર નિયમિત રીતે મળી રહે.


