Get The App

ગુજરાતમાં ઈદની રોનક: સાણંદથી શહેરા સુધી ઈદગાહમાં ઉમટી ભીડ, ધોળકા અને નસવાડીમાં કોમી એકતાના દર્શન

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ઈદની રોનક: સાણંદથી શહેરા સુધી ઈદગાહમાં ઉમટી ભીડ, ધોળકા અને નસવાડીમાં કોમી એકતાના દર્શન 1 - image

Eid-ul-Fitr Celebrated in Gujarat: પવિત્ર રમઝાન માસના રોઝા પૂર્ણ થયા બાદ આજે (21મી માર્ચ) સમગ્ર દેશમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર દ્રઢ આસ્થા અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ઈદગાહ અને મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે દુઆ માંગી હતી.

ધોળકા અને સાણંદમાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ પંથકમાં પણ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત આસ્થા અને ઉમંગ સાથે ઈદની ઉજવણી કરી હતી.

ગુજરાતમાં ઈદની રોનક: સાણંદથી શહેરા સુધી ઈદગાહમાં ઉમટી ભીડ, ધોળકા અને નસવાડીમાં કોમી એકતાના દર્શન 2 - image

આજે વહેલી સવારથી જ ધોળકા અને સાણંદની વિવિધ ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નવા વસ્ત્રોમાં સજ્જ થઈને આવેલા ભાઈઓએ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સામૂહિક દુઆ માંગવામાં આવી હતી.

ગુજરાતમાં ઈદની રોનક: સાણંદથી શહેરા સુધી ઈદગાહમાં ઉમટી ભીડ, ધોળકા અને નસવાડીમાં કોમી એકતાના દર્શન 3 - image

નસવાડીમાં ભાઈચારાનો સંગમ

છોટા ઉદેપુર જિલ્લાના સાત તાલુકાઓમાં ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નસવાડીના ઈદગાહ મેદાન ખાતે સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા. નમાઝ બાદ તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળી 'ઈદ મુબારક' પાઠવ્યા હતા. આ ઉજવણીમાં નસવાડીના હિન્દુ ભાઈઓએ પણ સહભાગી થઈ મુસ્લિમ મિત્રોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. ભાઈચારાના આ દ્રશ્યોએ જિલ્લામાં કોમી એકતા અને અખંડિતતાના દર્શન કરાવ્યા હતા.

ગુજરાતમાં ઈદની રોનક: સાણંદથી શહેરા સુધી ઈદગાહમાં ઉમટી ભીડ, ધોળકા અને નસવાડીમાં કોમી એકતાના દર્શન 4 - image

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો

વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે વિશેષ દુઆ

ઈદની નમાઝ બાદ કરવામાં આવેલી ખાસ દુઆમાં દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ અલગ-અલગ જગ્યાએ નમાઝ અદા કરી ખુશીઓ વહેંચી હતી. નાના બાળકોમાં ઈદને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેઓ વડીલોના આશીર્વાદ મેળવી ઈદી લેતા નજરે પડ્યા હતા.

ગુજરાતમાં ઈદની રોનક: સાણંદથી શહેરા સુધી ઈદગાહમાં ઉમટી ભીડ, ધોળકા અને નસવાડીમાં કોમી એકતાના દર્શન 5 - image

શહેરામાં ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

પંચમહાલ જિલ્લાના શહેરામાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારથી જ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઈદગાહ ખાતે એકત્ર થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. શહેરાની ઈદગાહ ખાતે યોજાયેલી નમાઝમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. નમાઝ બાદ ઈદગાહના મેદાનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળીને 'ઈદ મુબારક' પાઠવી હતી અને પરસ્પર પ્રેમ-ભાઈચારાનો સંદેશ વહેતો કર્યો હતો.