Gujarat

રાજસ્થાનથી માણસો લાવી ડિહાઈડ્રેશનના પરિસરના રૃમમાં ડુુપ્લીકેટ દારૃ બનતો હતો

By GS TEAM
16 Apr 20262 mins read
રાજસ્થાનથી માણસો લાવી ડિહાઈડ્રેશનના પરિસરના રૃમમાં ડુુપ્લીકેટ દારૃ બનતો હતો

મહુવાના ગુંદરણી ગામેથી નકલી દારૃ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

પેરોલ ફર્લો સ્ક્વોર્ડે કુલ રૃ.૧૫.૨૫ લાખના મુદ્દામાલ સાથે ૬ શખ્સોને ઝડપ્યા, ૯ સામે ગુનો નોંધાયા

મહુવા -  મહુવાના હરિપરા રોડ ગુંદરણી ગામે આવેલા કેપ્ટન ફુડ્ઝ ડિહાઈડ્રેશન પરિસરના રૃમમાં નકલી વિદેશી દારૃ બનાવતી ફેક્ટરી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી છે. રાજસ્થાનથી માણસો લાવી અહીં નકલી વિદેશી દારૃ બનાવવાનું યુનિટ છેલ્લા ત્રણ દિવસથી શરૃ કરવામાં આવ્યું હતું. પોલીસે લુઝ દારૃ અને કાચની બોટલ મળી કુલ રૃ.૧૫.૨૫ લાખના મુદ્દામાલ સાથે ૬ શખ્સોને ઝડપી લઈ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં નવ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

મહુવા તાલુકાના ગુંદરણી ગામ સર્વે નં.૧૦૫/૧ હરિપરા રોડ ખાતે બળદેવસિંહ ભીખુભા ગોહિલે તેમની માલિકીના કેપ્ટન ફુડ્ઝ કારખાનાની જગ્યા રાકેશ રમેશભાઈ બારૈયા (રહે.મહુવા) અને રવિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઈ મોભ (રહે.પાલિતાણા)ને ભાડે આપી તેમાં તેઓ રાજસ્થાનથી માણસો બોલાવી કારખાનાની પાછળના ભાગે આવેલા રૃમમાં નકલી દારૃ બનાવી વેચાણ કરતા હોવાની ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોર્ડને મળેલી બાતમીના આધારે ગત રાત્રિના તપાસ કરતા કેપ્ટન ફુડ્ઝની પાછળના ભાગે આવેલા રૃમમાં ડુપ્લીકેટ વિદેશી દારૃ બનાવવાની વસ્તુ બહારના રાજ્યમાંથી લાવી વિદેશી દારૃ બનાવતા ભૈરૃલાલ નંદલાલ ગેંગટ, કલ્યાણસિંહ સૈતાનસિંગ રાણાવત, રાજકુમાર કીશનલાલ પ્રજાપતી, લોકેશ ગણેશપુરી ગૌસ્વામી, સુર્યપ્રતાપ ભાનુપ્રતાપસિંગ રાઠોડ અને પુખરાજ ડાલચંદ માલી (તમામ રહે. રાજસ્થાન)ને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે નકલી વિદેશી દારૃ બનાવવની સાધન સામગ્રી, કાચની બોટલો મળી કુલ રૃ.૧૫,૨૫,૦૩૬ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ નવ આરોપીઓ સામે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં સુર્યપ્રતાપસિંગ સાથે બાકીના તમામ લોકો અહીં આવ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી અહીં નકલી દારૃ બનાવવાની શરૃઆત કરી હોવાની કબૂલાત આપી હતી.

મહુવા ભાજપના નેતાના મોટાભાઈ સામે ગુનો

મહુવા હરિપરા રોડ ગુંદરણી ગામે નકલી દારૃ બનાવવા મામલે કારખાનુ ભાડે આપનાર બળદેવસિંહ ભીખુભા ગોહિલ સામે ગુનો નોંધાયો છે. જે મહુવા ભાજપના આગેવાન રાજભા ગોહિલના મોટાભાઈ તથા મહુવા નગરપાલિકાના વોર્ડ નં.૭ના ઉમેદવાર કુસુમબેન રાજેન્દ્રસિંહ ગોહિલના જેઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે રાજભા ગોહિલનો સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ કર્યો નહોતો.