Get The App

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
નશામાં ધૂત બાઇક ચાલકે  એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો 1 - image

ગાંધીનગરના રિલાયન્સ સર્કલ પાસે

બાઈક આડુ અવળું ચલાવીને અકસ્માત થતા રહી જતા ટોક્યો તો પરત આવીને મારમાર્યો ઃ પોલીસે ઝડપી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં રિલાયન્સ સર્કલ પાસે શુક્રવારે રાત્રે દારૃ પીધેલી હાલતમાં બેફામ બાઇક ચલાવતા એક શખ્સે ઠપકો આપનાર સોફ્ટવેર એન્જિનિયર અને તેના મિત્ર સાથે ઝઘડો કરી મારપીટ કરી હોવાની ઘટના સામે આવી છે. ઈન્ફોસિટી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણની મેઘધનુષ સોસાયટીમાં રહેતા અને ટીસીએસ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત યશકુમાર અનિલભાઈ ડમ્બેલકર શુક્રવારે રાત્રે તેના મિત્ર આદિત્ય રંજન સાથે જમીને રિલાયન્સ સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સરગાસણ તરફથી આવતા એક બાઇક સવારે અત્યંત પૂરઝડપે અને ઝિગ-ઝેગ વાહન ચલાવી યશકુમારના બાઇકને અડફેટે લેતા સહેજમાં રહી ગયો હતો. જેથી યશકુમારે તેને બૂમ પાડીને ધીમે ચલાવવા કહ્યું હતું ત્યારે નશામાં ધૂત બાઇક સવાર  ઉશ્કેરાઈ ગયો હતો અને યુવાન તેમજ તેના મિત્ર સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૃ કર્યો હતો. નશાના જોરમાં તેણે યશકુમારના મોઢા પર બે-ત્રણ મુક્કા માર્યા હતા અને તેના મિત્રને પેટના ભાગે ઇજા પહોંચાડી હતી. જે ઘટનાને પગલે આસપાસમાં સ્થાનિક લોકો ભેગા થઈ જતા આ શખ્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ તેને પકડી રાખ્યો હતો. ઘટનાની જાણ ૧૧૨ પર કરવામાં આવતા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન આ વ્યક્તિ નશાની હાલતમાં જણાયું હતું અને પૂછપરછ કરતા તે ગાંધીનગરના સેક્ટર પાંચ સીમા રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો આશિષ ત્રિભુવનનાથ પાંડે હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની અટકાયત કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.