Drug Bust in Palanpur: બનાસકાંઠા જિલ્લામાં નશાના કારોબાર પર લગામ કસવા માટે ગુજરાત CID ક્રાઈમની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ(ANTF)એ મોટી સફળતા મેળવી છે. પાલનપુર-જગાણા હાઈવે પરથી પોલીસે 232 ગ્રામ મેફેડ્રોન(MD) ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે યુવકોને દબોચી લીધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે 5 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.
બાતમીના આધારે વોચ ગોઠવીને બંનેને દબોચ્યા
ANTFના અધિકારીઓને સચોટ બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક મોટરસાયકલ પર નશીલા પદાર્થોનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે 16 માર્ચના રોજ પાલનપુર તાલુકાના જગાણા હાઈવે પર પોલીસની ટીમે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. આ દરમિયાન, રાજસ્થાન પાસિંગની મોટરસાયકલ પર આવી રહેલા બે શંકાસ્પદ શખસોને આંતરીને તેમની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ રાજસ્થાનના વતની
પોલીસે આ મામલે રાજસ્થાનના જાલોર જિલ્લાના બે શખસોની ધરપકડ કરી છે:
- ઇરફાન ખાન ઉર્ફે આશુ ખાન મોઠલા (ઉં.વ.20)
- સુખદેવભાઈ ઉર્ફે સુખો વગતારામ ચૌધરી (ઉં.વ.27)
કુલ 7.56 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી 232 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત 50,000ની કિંમતની મોટરસાયકલ, 10,000ના ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 7.56 લાખ રૂપિયાની મત્તા જપ્ત કરી છે. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ (NDPS Act), 1985 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોર્સ અને ડેસ્ટિનેશનની તપાસ
પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે, આ ડ્રગ્સનો જથ્થો છૂટક વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. જોકે, આ નશાનો સામાન તેઓ રાજસ્થાનમાં કોની પાસેથી લાવ્યા હતા અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં CID બોર્ડર ઝોન, પાલનપુર યુનિટ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આમાં કોઈ મોટી આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ગેંગની સંડોવણી હોઈ શકે છે.


