Gujarat

વેરાવળમાં ખુલ્લી ગટરોથી ફેલાતી ગંદકી, રોગચાળો છતાં ઉંઘતું તંત્ર

By GS Team
14 Sep 20192 mins read
This article was originally published on 14 Sep 2019
વેરાવળમાં ખુલ્લી ગટરોથી ફેલાતી ગંદકી, રોગચાળો છતાં ઉંઘતું તંત્ર

વેરાવળ, તા. 14 સપ્ટેમ્બર 2019, શનિવાર

વેરાવળ-સોમનાથ વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી ભારે ગંદકી ફેલાયેલી છે, અનેક જગ્યાએ ગટરો ખુલ્લી મુકી દેવાઈ છે. રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. નગરપાલિકામાં અનેક વખતે રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી, જેથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઉંઘતા તંત્ર અને બેદરકાર નેતાઓથી લોકરોષ બહાર આવે તેવી શક્યતાં છે.

રેયોન હાઉસીંગ સોસાયટીમાં ચારેય બાજુ ગંદકી ફેલાયેલી છે. અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળે છે તેમજ ગટરોના ગંદા પાણી બહાર નિકળી રહ્યા છે. ત્યાં રહેતા લોકોએ અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં કોઈ કામગીરી થતી નથી. આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે આ ગંદકીના ત્રાસથી બાળકો બિમારીમાં સપડાયેલા છે. ઘરમાં તાવ જેવી બીમારીઓ કાયમ રહે છે. કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી.

શ્રીપાલનગર વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું કે ઘરના ઓટલા પાસે વરસાદના પાણીના કારણે ગંદકી થયેલી છે. ગટરો ખુલ્લી છે. કેટલાય સમયથી કામગીરી ચાલી રહી છે પણ હજુ સુધી રોડ બન્યો નથી.

શાક માર્કેટ, પ્રકાશ કોમ્પલેક્ષ, દોલતપ્રેસ, બંદર રોડ, મુખ્ય બજારો ભીડીયા વિસ્તાર, પ્રભાસપાટણ શાંતિનગર, લખાતવાડી, નાના મોટા કોલી વાડા, મુખ્ય રોડ સહિત અનેક વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળે છે. ગટરનું ગંદુ પાણી સતત બહાર ઢોળાયા કરે છે. આખા વિસ્તારમાં સાફ સફાઈ થતી ન હોઈ રોગચાળો ફેલાયેલો છે. ડેંગ્યુ, મેલેરીયા સહિત અનેક રોગોમાં હજારો લોકો બિમારીમાં પીડાય છે તો તાત્કાલીક શહેરમાં સફાઈ થાય તે માટે માંગ ઉઠી છે.