Get The App

મની લોન્ડરિંગના કેસમાં કમિશન ખાતામાં જમા થયું છે તેમ કહી નિવૃત્ત સરકારી અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી બેંકમાંથી એફડી તોડાવી

ભાયલીની બેંકના મેનેજરને શંકા ગઇ અને પોલીસને બોલાવી ઃ પાંચ દિવસથી ગભરાયેલા સિનિયર સિટિઝનને ફ્રોડમાંથી બચાવ્યા

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
મની લોન્ડરિંગના કેસમાં કમિશન ખાતામાં જમા થયું છે તેમ કહી  નિવૃત્ત સરકારી અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી બેંકમાંથી એફડી તોડાવી 1 - image

વડોદરા, તા.22 વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી રૃા.૨૦ લાખ એફડી બેંકમાંથી તોડાવી હતી. આ એફડી બીજા દિવસે અન્ય ખાતામાં આરટીજીએસ કરવા જતા બેંક મેનેજરને શંકા ગઇ  હતી અને પોલીસને બોલાવી નિવૃત્ત સરકારી અધિકારીની રકમ બચાવી લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે ભાયલીની એક ખાનગી બેંકના મેનેજરે તાલુકા પોલીસને ફોન કરી જણાવેલ કે એક સિનિયર સિટિઝન રૃા.૨૦ લાખની એફડી ગઇકાલે તોડાવી ગયા  હતા અને આજે આ રકમ કોઇના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે આવ્યા છે તેમજ તેઓ ગભરાયેલી હાલતમાં છે અને તેઓ સતત વીડિયોકોલથી કોઇ સાથે વાત પણ કરે છે. તેમને આટલા બધા પૈસા એકસાથે કોને મોકલવાના છે તેમ પૂછતા તેઓ યોગ્ય જવાબ પણ આપતા નથી જેથી પોલીસના માણસો મોકલી આપો.

દરમિયાન પોલીસ સ્ટેશનનો સ્ટાફ બેંકમાં પહોંચ્યો હતો અને સિનિયર સિટિઝનને પોલીસ સ્ટેશન લાવી વિશ્વાસમાં લઇ તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તા.૧૬ના રોજ બપોરે ટ્રાઇ દિલ્હી ખાતેથી રામ મિશ્રા નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તમારા કેટલા સીમ કાર્ડ છે તેમ પૂછી તમારા આ કાર્ડનો ખોટી રીતે ઉપયોગ થાય છે જેથી તમારો કેસ મુંબઇ ક્રાઇમ બ્રાંચને મોકલી આપ્યો છે.

બાદમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામથી સંદિપ રાવ નામના ઓફિસરે વોટ્સએપ પર વીડિયો કોલ કરી જણાવેલ કે જેટ એરવેઝના સીઇઓ નરેશ ગોયેલ પર ૫૩૮ કરોડનો મની લોન્ડરિંગનો કેસ થયો છે જેમના ઘેરથી કેટલાક એટીએમ કાર્ડ મળ્યા છે જેમાં તમારુ એક કેેનેરા બેંકનું પણ એટીએમ કાર્ડ મળ્યું તેમાંથી રૃા.૨ કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે જેમાં તમને ૧૦ ટકા કમિશન પેટે તમારા બેંક ખાતામાં રૃા.૨૦ લાખ જમા થયા છે તેમ કહી મુંબઇ ક્રાઇમ બ્રાંચ અને સુપ્રીમ કોર્ટના બોગસ ડોક્યૂમેન્ટના ફોટા મોકલી પાંચ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા હતાં તેમજ જો આ કેસમાંથી બચવું હોય તો રૃા.૧૬ લાખ તાત્કાલિક આરટીજીએસથી આનંદ ફાઇનાન્સ બેંક, ગુડગાંવમાં મોકલવા દબાણ કર્યું હતું અને જો નહી આપો તો તમારા ઘેર પોલીસ મોકલી એરેસ્ટ કરી જેલમાં મોકલી દઇશું તેમ જાણવા મળ્યું હ તું. જો કે બેંક મેનેજર અને પોલીસની સતર્કતાથી નિવૃત્ત સરકારી અધિકારી ડિજિટલ એરેસ્ટના ફ્રોડમાંથી બચી ગયા હતાં.