Dhandhuka Murder Case: અમદાવાદના ધંધુકામાં નજીવી બાબતે થયેલી યુવકની કરપીણ હત્યા બાદ ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસે હવે એક્શનમાં છે. હત્યાની ઘટનાથી ઉશ્કેરાઈને તોડફોડ અને આગચંપી કરી કાયદો હાથમાં લેનારા અંદાજે 125 જેટલા લોકો સામે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ, પીડિત પરિવારની માંગને પગલે અને સમગ્ર ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, આ હત્યાકાંડની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેથી દોષિતો સામે દાખલો બેસાડી શકાય તેવી કડક કાર્યવાહી કરી શકાય.
ધંધુકામાં થયેલી હત્યાના બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આખો વિસ્તાર પોલીસ કંટ્રોલમાં લેવામાં આવ્યો છે અને લોકલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. પોલીસ હાલ CCTV ફૂટેજ અને ડિજિટલ ડેટાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રિઝવાન અને સલીમ નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે મૃતક ધર્મેશના બે ભાઈઓ પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, તેમ છતાં પરિવારના સભ્યની હત્યા થતા સ્વજનોએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
નજીવી બાબતે હત્યા કરી
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં એક હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ શહેરમાં તોડફોડ અને આગચંપી કરતા પરિસ્થિતિ તંગ બની હતી. જોકે, પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને સમગ્ર ધંધુકામાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે અને હાલ શહેરમાં અજંપાભરી શાંતિ વચ્ચે જનજીવન સામાન્ય બની રહ્યું છે.

ભરવાડ સમાજ સમીરના ઘરે એકઠો થયો
ધંધુકામાં રહેતા 30 વર્ષીય ધર્મેશ ગમારા નામના યુવકનો સમીર નામના શખ્સ સાથે બાઈક ઓવરટેક કરવા મામલે ઝઘડો થયો હતો. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ ભરવાડ સમાજના લોકો સમીરના ઘર પાસે એકઠા થયા હતા. આ માથાકૂટ દરમિયાન રિઝવાન નામના શખ્સે ધર્મેશ ગમારા પર છરી વડે હુમલો કરી દીધો હતો, જેમાં ધર્મેશનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:
લોકોના ટોળાએ આગચંપી કરી
હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. 100થી 125 લોકોના બેકાબૂ બનેલા ટોળાએ હાથમાં લાકડા અને ઘાતક હથિયારો સાથે દુકાનો, ગેરેજ, હોટેલો, લારીઓ અને વાહનોમાં ભારે તોડફોડ તથા આગચંપી કરી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે હત્યા કરનાર સમીર અને રિઝવાન સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત તોડફોડ કરનાર ટોળા સામે ધંધુકા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલા ખુદ ફરિયાદી બન્યા છે. આગજની અને તોડફોડ મામલે પોલીસે 25 લોકોની અટકાયત પણ કરી છે.
પોલીસે ઘરે ઘરે જઇને ચેકિંગ હાથ ધર્યું
આ ઘટનાને પગલે રેન્જ IG, અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ સહિતનો મોટો કાફલો ધંધુકામાં ઉતારી દેવામાં આવ્યો છે. અમદાવાદ અને અન્ય જિલ્લાની પોલીસ ઉપરાંત SRPની હથિયારબંધ ટુકડીઓ પણ તહેનાત કરવામાં આવી છે. SP ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ આશરે 200 જેટલા પોલીસકર્મીઓએ રાત્રિભર સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે એક-એક ઘરમાં ચેકિંગ કરી ગુનાહિત ઈતિહાસ ધરાવતા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી. આ તપાસ દરમિયાન કેટલાક તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. શહેરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને અફવાઓ રોકવા સોશિયલ મીડિયા પર પોલીસની સાયબર ટીમ ચાંપતી નજર રાખી રહી છે.
SP ઓમ પ્રકાશ જાટે મૃતકના પરિવારની મુલાકાત લીધી
SP ઓમ પ્રકાશ જાટે મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITને સોંપવામાં આવશે અને સરકાર તરફથી એક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરાશે. વધુમાં, અસામાજિક તત્વોનો સફાયો કરવાના ભાગરૂપે તમામ સરકારી વિભાગોના સંકલનથી સર્વે કરી, નોટિસ ફટકારીને શહેરમાંથી તમામ ગેરકાયદેસર દબાણો અને સ્ટ્રક્ચર તોડી પાડવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે.
નિષ્પક્ષ તપાસ માટે SITની રચના
આ સંવેદનશીલ કેસમાં મૃતકના પરિવારને ઝડપી અને નિષ્પક્ષ ન્યાય મળે તે હેતુથી ખાસ SIT (Special Investigation Team) ની રચના કરવામાં આવી છે. આ હાઈ-લેવલ તપાસની જવાબદારી DySP પ્રકાશ પ્રજાપતિ ને સોંપવામાં આવી છે. તેમની અધ્યક્ષતામાં રચાયેલી આ ટીમ ઘટનાના દરેક પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે જેથી કોઈ પણ કસૂરવાર કાયદાના સકંજામાંથી બચી ન શકે.
SIT ટીમમાં સામેલ અધિકારીઓ
તપાસને વધુ સચોટ બનાવવા માટે SITમાં 4 અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રકાશ પ્રજાપતિ (DySP) – ટીમ લીડર, રઘુ કરમટીયા (PI), કરણ વિહોલ (PI) અને એસ.એચ. ઝાલા (PSI)ની નિમણૂક કરાઈ છે.
SIT ને ઝડપી કાર્યવાહી કરવા આદેશ
તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કામગીરીનું દરરોજ મોનિટરિંગ કરવામાં આવશે. SITની ટીમે તપાસની પ્રગતિ અંગેનો વિસ્તૃત અહેવાલ દર અઠવાડિયે ઉચ્ચ કચેરીએ સોંપવાનો રહેશે. SITની રચના થવાથી હવે ગુપ્ત પુરાવાઓ એકત્ર કરવામાં અને ટેકનિકલ તપાસમાં વધુ ગતિ આવશે.
મોડીરાત્રે જ અંતિમ સંસ્કાર કરાયા
પોસ્ટમોર્ટમ બાદ ધર્મેશ ગમારાના મૃતદેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. મૃતકના પરિવાર અને સમાજના આગેવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમનો આક્ષેપ છે કે, સમગ્ર ધંધુકામાં અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવનાર એકમાત્ર ભરવાડ સમાજ હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બે વર્ષ અગાઉ પણ આવી જ રીતે એક યુવકની હત્યા થઈ હતી. સમાજના આગેવાનોએ એકજૂથ થઈને દોષિતો સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહીની માંગ કરી છે.
પરિવારને ન્યાયની આશા
ભરવાડ યુવાનની હત્યાને પગલે સ્થાનિક સમાજમાં ભારે રોષ વ્યાપેલો છે. જોકે, SITની રચના અને પોલીસની સક્રિયતાને જોતા પરિવારજનોમાં હવે ઝડપી ન્યાયની આશા જાગી છે. પોલીસનું પ્રાથમિક લક્ષ્ય તમામ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા તૈયાર કરી તેમને કડકમાં કડક સજા અપાવવાનું છે, જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય.


