Get The App

ચૈત્રી પૂનમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
ચૈત્રી પૂનમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર 1 - image

ડુંગર પગથિયાના દ્વાર રાત્રે ૧ઃ૩૦ વાગ્યે ખુલ્યા

૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું ઃ 'જય ચામુંડા'ના નાદ સાથે ડુંગર ગુંજી ઉઠયો

સુરેન્દ્રનગર - ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ૩ લાખથી વધુ ભક્તો ઉમટી પડયા હતા. વહેલી આરતી, વિશેષ ભોજન વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમનો અનેરો મહિમા જોવા મળ્યો હતો. ચામુંડા માતાજીના આશીર્વાદ લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી અંદાજે ૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. ભક્તોની ભારે ભીડને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડુંગરના પગથિયાનો દ્વાર રાત્રે ૧ઃ૩૦ વાગ્યે જ ખોલી દેવામાં આવ્યો હતો અને મંગળા આરતી પણ વહેલી યોજાઈ હતી.

ભક્તોની સુવિધા માટે ભોજનાલયના સમયમાં ફેરફાર કરી સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી સતત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, વિરમગામ, કડી અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાંથી અનેક પદયાત્રી સંઘો પગપાળા માતાજીના દ્વારે પહોંચ્યા હતા. ભીડમાં વિખૂટા પડેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવા માટે ટ્રસ્ટની ઓફિસ દ્વારા સતત જાહેરાતો કરવામાં આવી હતી.

સમગ્ર ડુંગર અને તળેટી 'ચામુંડા માત કી જય'ના નાદથી ગુંજી ઉઠયા હતા. આટલી જંગી મેદની હોવા છતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસ વિભાગ અને મંદિર ટ્રસ્ટે રાહતનો શ્વાસ લીધો હતો. શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.