Gujarat

શ્રાવણ માસમાં આ વખતે ભક્તો ભોળેનાથને અભિષેક નહીં કરી શકે

By GS Team
14 Jul 20202 mins read
This article was originally published on 14 Jul 2020
શ્રાવણ માસમાં આ વખતે ભક્તો ભોળેનાથને અભિષેક નહીં કરી શકે

અમદાવાદ,મંગળવાર

દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પર્વ શ્રાવણ માસનો આગામી ૨૧ જુલાઇ-મંગળવારથી પ્રારંભ થશે. જોકે, આ કોરોના મહામારીને પગલે આ વખતે શ્રાવણ માસ દરમિયાન મોટાભાગના મંદિરોમાં ભક્તો ભગવાન શંકરને જળાભિષેક કરી શકશે નહીં.

સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં રૃદ્રી સહિતના વિશિષ્ટ આયોજન થતા હોય છે અને જળાભિષેક માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં ભક્તોને આ વખતે ઘરે બેઠા જ ભોળેનાથની આરાધના કરવી પડી શકે છે. અનલોક-૧ બાદ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા ત્યારથી જ મોટાભાગના મંદિરોમાં ભક્તો માટે ગર્ભ ગૃહમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ત્યારે મોટાભાગના મંદિરો  શ્રાવણ માસ દરમિયાન અભિષેક માટે ભક્તોને ગર્ભ ગૃહમાં પ્રવેશ નહીં આપવા વિચારણા કરી રહ્યા છે. અમદાવાદના પ્રાચિન મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના સદસ્યે જણાવ્યું કે, 'આ વખતે શ્રાવણ મહિના દરમિયાન કઇ રીતે આયોજન કરવું તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ ભક્તો દર્શન કરે, ગર્ભગૃહમાં ભક્તોને પ્રવેશ નિષેધ રહે અને રૃદ્રિ જેવા આયોજન ભવ્ય રીતે નહીં તે જ વર્તમાન સમયમાં જરૃરી છે. '

દરમિયાન જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં પાલખીયાત્રા મુલતવી રાખવામાં આવી છે તેમજ મહાપૂજા-આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં આપવામાં આવે. આ ઉપરાંત ધ્વજાપૂજામાં પણ માત્ર પાંચ લોકો જોડાઇ શકશે. બહારગામથી આવતા દર્શનાર્થીઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા  બાદ જ સોમનાથ મંદિરે આવવા માટે અપીલ કરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં પ્રવેશતા પ્રત્યેક દર્શનાર્થીનું સૌપ્રથમ ટેમ્પરેચર ચકાસવામાં આવશે અને પછી જ તેમને પ્રવેશ અપાશે.