અમદાવાદ,સોમવાર,18 મે,2026
અમદાવાદમાં ગટરની સફાઈ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન એજન્સી
દીઠ અંદાજે મહિને રુપિયા પચાસ હજારનું ચૂકવણુ કરવામા આવે છે.આમ છતાં દક્ષિણ ઝોનના
દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાં ગટર ઉભરાવાથી લઈ ગટર સંબંધી ૩૬ હજારથી વધુ
ફરિયાદ નોંધાઈ છે.આ ઉપરાંત લાંભા અને મણિનગર વોર્ડમાં પણ અનુક્રમે ૧૫-૧૫ હજાર ગટર
સંબંધી નોંધાઈ છે. તંત્રની બેદરકારીથી સમયસર ફરિયાદોનુ નિરાકરણ નહીં થવાથી લોકો
ત્રાહિમામ બની ગયા છે.
એક અંદાજ મુજબ,
દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમા આવેલી ગટરોની સફાઈ પાછળ રુપિયા ૨૬
કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરે છે.દાણીલીમડા અને બહેરામપુરા જેવા વોર્ડમાં વીસથી પણ
વધુ મંડળીઓ દ્વારા ગટરમાંથી ડિસિલ્ટીંગ કરવાની કામગીરી કરવામા આવી રહી
છે.બહેરામપુરા વોર્ડમાં તો એક પૂર્વ કોર્પોરેટર પાસેજ મોટાભાગની મંડળીઓનો વહીવટ
હોવાનુ આધારભૂત સૂત્રોંમાંથી જાણવા મળ્યુ છે.આમ છતાં બહેરામપુરા વોર્ડમાં સોળ મહિનામા પ્રાથમિક સુવિધાને લગતી કુલ ૨૭૪૫૫ ફરિયાદ
વોર્ડના રહીશો દ્વારા નોંધાવામા આવી હતી. આ પૈકી ગટરને લગતી ૧૬૭૯૧ ફરિયાદ છે.
દાણીલીમડા વોર્ડમાં કુલ ૨૯૩૫૦ ફરિયાદ પ્રાથમિક સુવિધાની નોંધાઈ હતી. આ પૈકી ૧૯૮૦૩
ફરિયાદ ગટરને લગતી હતી.લાંભા વોર્ડ કે જે વર્ષ-૨૦૧૦થી અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનની હદમા સમાવાયો છે. આ વોર્ડમાં ગટર-ઈજનેર વિભાગની ૧૫૮૪૩ તેમજ મણિનગર
વોર્ડમાં ઈજનેર વિભાગની કુલ ૧૫૫૯૪ ફરિયાદ નોંધાવા પામી છે.મણિનગર વોર્ડ એ દક્ષિણ
ઝોનમાં આવેલા વોર્ડમાં સમૃધ્ધ અને વિકસિત વોર્ડ ગણવામા આવે છે. આ વોર્ડમાં
ગટર-ઈજનેર વિભાગની ફરિયાદ વધવા અંગે સ્થાનિકોના આક્ષેપ મુજબ, ફરિયાદ કર્યા પછી
સમયસર કામગીરી કરવામા આવતી જ નથી. ઘણી વખત ફરિયાદ ઉકેલાયા પછી થોડા દિવસમા
પરિસ્થિતિ અગાઉ જેવી થાય છે.


