Get The App

ગુજરાતમાં કોંગ્રેસનું 'રિસોર્ટ પોલિટિક્સ', દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવાના

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કોંગ્રેસનું 'રિસોર્ટ પોલિટિક્સ', દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવાના 1 - image


Deodar Taluka Panchayat Election: બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પહેલાં જ પક્ષપલટા અને તોડજોડની રાજનીતિથી બચવા માટે કોંગ્રેસે પોતાના સભ્યોને બચાવવા માટે 'રિસોર્ટ પોલિટિક્સ'નો આશરો લીધો છે. 

પ્રમુખની ચૂંટણી પહેલાં સભ્યો સહેલગાહે

વાવ, થરાદ અને દિયોદર પંથકના સ્થાનિક રાજકારણમાં મસમોટી હલચલ જોવા મળી રહી છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી 25 તારીખે યોજાનારી ચૂંટણી પહેલાં જ ભારે રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. દિયોદર તાલુકા પંચાયતમાં પોતાની સત્તા અકબંધ રાખવા અને સભ્યો તૂટે નહીં તે આશયથી કોંગ્રેસ દ્વારા તમામ વિજેતા સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડીને રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બહુમતી હોવા છતાં કોંગ્રેસને પક્ષપલટાનો ડર

તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે મેદાન માર્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી(BJP)ના ફાળે 10 બેઠકો આવી છે. નિયમ મુજબ કોંગ્રેસ આસાનીથી પોતાની સત્તા બનાવી શકે તેમ છે, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. ભાજપની આ તોડજોડની રાજનીતિથી બચવા અને કોઈ 'નવાજૂની' ન થાય તે માટે કોંગ્રેસે પોતાના તમામ 12 સભ્યોને સરહદ પાર રાજસ્થાનના રિસોર્ટમાં મોકલી દીધા છે.

જિલ્લા પંચાયતના સભ્યો પણ રવાના

કોંગ્રેસ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. તાલુકા પંચાયતના 12 સભ્યોની સાથે-સાથે જિલ્લા પંચાયતના પણ 3 સભ્યોને સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે રાજસ્થાન ભેગા કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ સભ્યો હવે કોઈના સંપર્કમાં નથી અને તેઓ 25 તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના બરાબર સમયે જ સીધા મીટિંગમાં હાજર થશે. ભાજપના સ્થાનિક નેતાઓ પોતાની મજબૂતાઈના અને સત્તા મેળવવાના દાવા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની આ વ્યુહરચના કેટલી સફળ થાય છે તે 25 તારીખે જ ખબર પડશે.