પ્રોટેક્શન વોલના કામ દરમિયાન માટી ખસી જતાં પુલ જોખમી બન્યો
બેરિકેડ મુકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, ૧૫ ગામના લોકોને અસર
મહુવા
- મહુવા તાલુકાના ૧૫ ગામને
જોડતા માલણ નદીનો પુલ જોખમી થતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ પુલનો રસ્તો લોકો
માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
મહુવા શહેરથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા માલણ નદીના પુલ પર
પ્રોટેક્શન વોલનું કામ શરૃ હતું. તે દરમિયાન પુલની સાઈડમાંથી માટી ખસી જતાં પુલ
જોખમી બન્યો હતો. જેના કારણે ઈજનેર દ્વારા પુલ પરના માર્ગને તાત્કાલિક અસરથી
વાહનવ્યવહાર અને અવર-જવર માટે બંધ કરવા નિર્ણય લઈ સૂચના આપી દેવામાં આવી હતી. જેના
કારણે કોટડા,
દયાળ, વાઘનગર સહિતના ૧૫ જેટલા ગામને જોડતા આ
માર્ગને યુદ્ધના ધોરણે બંધ કરી દઈ પુલની બન્ને સાઈડ પર બેરિકેડ મુકી પોલીસ
બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે. માલણ નદીના પુલનો માર્ગ મુખ્યત્વે ગ્રામ્ય
વિસ્તારને જોડતો હોય, ૧૫ ગામના વાહનચાલકોને પુલ બંધ કરી
દેવાતા ફરજીયાત પણે સાત કિ.મી. જેટલું વધુ અંતર કાપીને જવું પડશે. તો આ બાબતે
તંત્ર દ્વારા ગંભીરતા દાખવી પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરી રસ્તો પુનઃ શરૃ
કરવામાં આવે તેવું ગ્રામ્ય વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે.


