Get The App

VIDEO | ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: 'સાર્વજનિક ચૂલા' પર રંધાયું અનેક પરિવારોનું ભોજન

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
Daman

Daman News : વર્તમાન સમયમાં જ્યારે રાંધણ ગેસની અછત અને વધતા ભાવ સામાન્ય માણસને મૂંઝવી રહ્યા છે, ત્યારે સંઘ પ્રદેશ દમણની એક સોસાયટીએ સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે. દમણની આનંદ સોસાયટી દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે, જ્યાં સોસાયટીના પરિસરમાં 'સાર્વજનિક ચૂલો' મૂકીને સામુદાયિક રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.


શું છે આ અનોખી પહેલ?

આનંદ સોસાયટીમાં મૂકવામાં આવેલા આ સાર્વજનિક ગેસ ચૂલાનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. ખાસ કરીને જે પરિવારો પાસે ગેસ સિલિન્ડર ખૂટી પડ્યું હોય અથવા જેમને તકલીફ હોય, તેઓ અહીં આવીને કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર પોતાનું ભોજન બનાવી શકે છે.

VIDEO | ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: 'સાર્વજનિક ચૂલા' પર રંધાયું અનેક પરિવારોનું ભોજન 2 - image

જાણે 'કોમ્યુનિટી કિચન'ની મોકડ્રીલ!

રવિવાર(15 માર્ચ, 2026)ની રજા હોવાથી સોસાયટીના અનેક પરિવારો એકત્રિત થયા હતા અને સાર્વજનિક ચૂલા પર અનેક પરિવારોએ સાથે મળીને પોતપોતાની રસોઈ બનાવી હતી. જેના કારણે અહીં કોઈ તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. રસોઈ બનાવવાની સાથે ગૃહિણીઓએ ગેસની બચત કેવી રીતે કરવી અને ઓછા ઈંધણમાં પૌષ્ટિક ખોરાક કેવી રીતે બનાવી શકાય તે અંગે પણ વિચારોની આપ-લે કરી હતી.

એકબીજાના સહકારે જીવવાની શીખ

સોસાયટીના સભ્યો માટે આ એક પ્રકારની 'મોકડ્રીલ' જેવો અનુભવ હતો. જો ભવિષ્યમાં ગેસની વધુ તંગી સર્જાય, તો સાથે મળીને સંસાધનોનો ઉપયોગ કરી કેવી રીતે ટકી શકાય, તેનો આ એક સફળ અભ્યાસ હતો. સોસાયટીના સભ્યનું કહેવું છે કે, "આ માત્ર મફત ગેસ આપવાની વાત નથી, પણ મુશ્કેલ સમયમાં એકબીજાના સહકારે જીવવાની શીખ છે. સંયુક્ત રીતે ભોજન બનાવવાથી ઈંધણ પણ બચે છે અને પરસ્પર પ્રેમ પણ વધે છે." 

આ પણ વાંચો: VIDEO | LPG સંકટ વચ્ચે મોટા સમાચાર: 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ ગુજરાત પહોંચ્યું!

પગલું જે પરિવર્તન લાવશે

દમણની આ સોસાયટીએ સાબિત કર્યું છે કે સમસ્યા ભલે ગમે તેટલી મોટી હોય, પણ જો 'સામૂહિક શક્તિ'નો ઉપયોગ કરવામાં આવે તો તેનો માર્ગ ચોક્કસ નીકળી શકે છે. આ પહેલથી માત્ર આર્થિક બચત જ નથી થતી, પણ સામાજિક એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.